PSIની કારને ઓવરટેક કરનાર યુવાનને પોલીસે વીજશોક દીધો

  • PSIની કારને ઓવરટેક કરનાર યુવાનને પોલીસે વીજશોક દીધો

પોરબંદર : હનુમાનગઢના લાખણશી સાજણભાઇ ઓડેદરા ઉ.વ.ર7 નામનો યુવાન પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થયો છે અને તેના હાથમાં વિજશોક દેવામાં આવ્યા હોય તેવા નિશાન છે આથી તેનું નિવેદન લેવાતા પોલીસમાં એવા પ્રકારની માહિતી સાથે એનસી કેસ દાખલ કરાવ્યો છે કે, તે પોતાના મિત્ર રાજસી રામા સુંડાવદરાના લગ્ન યોજાવાના હોવાથી રાજસી સાથે અલગ-અલગ સ્થળોએ બુલેટ બાઇકમાં સગા-સબંધીઓને નિમંત્રણ દેવા માટે નિકળ્યા હતા. આ યુવાનો ભારવાડા-બાબડા વચ્ચેથી પસાર થયા ત્યારે એક કારે ઓવરટેક કર્યુ હતું. આથી આ કારને  આ યુવાનોએ ઓવરટેક કરતા કારચાલક ફુલસ્પીડે આવી પહોંચ્યો હતો અને બુલેટ ચાલક યુવાનોને અટકાવીને કારમાંથી ઉતરી નિવેદનમાં થયેલ આક્ષેપ પ્રમાણે ‘હું બગવદર પીએસઆઇ રાઠોડ છું, મારી કારને ઓવરટેક કેમ કરી?’ કહી ગાળાગાળી કરી, કાગળો ચેક કરી બગવદર પોલીસ મથકે લઇ જવાયા હતા. એ દરમિયાન યુવાન લાખણશી ઓડેદરાના આક્ષેપ પ્રમાણે પીએસઆઇએ ચેમ્બરમાં લઇ જઇ બેટરીવડે હાથમાં વિજશોક દીધા હતા અને ત્યારબાદ છોડી મુકયા હતા. તેનો મિત્ર રાજશી રાત્રે દેગામ ઉતરી ગયો હતો અને લાખણશી હનુમાનગઢ આવતો હતો ત્યારે તબીયત લથડતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થયો હતો.