સાયબર એટેકથી દર વર્ષે રૂા.1.50 લાખ કરોડની બેન્ક રોબરી

નવીદિલ્હી તા.14
સાયબર હુમલા નિવારવામાં ભારતીય બેન્કોની સુરક્ષા સિસ્ટમ પૂરતી નથી. બેન્કિંગ સિસ્ટમમાં ઘૂસ મારીને મોટી રકમનો ચૂનો ચોપડી જવાના ત્રણ મોટા કિસ્સા આ વર્ષે બહાર આવ્યા છે, જેમાં યુનિયન બેન્ક, સીટી યુનિયન બેન્ક, કોસ્મોસ બેન્ક બાદ સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસનો કિસ્સો પણ ઉમેરાયો છે. આ તમામ બેન્કોમાંથી હેકરોએ કુલ 1,518 કરોડ રૂપિયા ગજવે ઘાલ્યા છે.
પીડબ્લ્યૂ સી અને એસોચેમના એક હેવાલ મુજબ સાયબર હુમલા અને ફ્રોડને કારણે મોટી બેન્કોને દર વર્ષે 20 અબજ ડોલર એટલે કે 1.50 લાખ ડોલરનું નુકસાન થાય છે. દુનિયાના ફાઇનાન્સ સેક્ટરમાં છેલ્લા પાંચ વર્ષોમાં સાયબર હુમલામાં ત્રણ ગણો વધારો થયો છે. ક્ધસેલ્ટિંગ ફર્મ ડેલોયના મુંજલ કામદરના મતે સાયબર ક્રાઇમના કિસ્સા વર્ષે 10થી 12 ટકાના દરે વધ્યા છે. આમાં પણ બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના કિસ્સા સૌથી વધુ છે. બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ જોખમ નાની બેન્કો છે. દેશમાં લગભગ 2,000 નાની બેન્કો છે, જેમાં સહકારી, જિલ્લા સહકારી, ક્ષેત્રિય ગ્રામીણ બેન્ક તથા સ્મોલ ફાઇનાન્સ બેન્ક સામેલ છે. દેશમાં મોટી બેન્કો પોતાના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી બજેટના 4 ટકા હિસ્સો સાયબર સુરક્ષા પર ખર્ચ કરે છે. તો અમેરિકા અને યુરોપની બેન્ક પોતાના આઇટી બજેટના 6થી 10 ટકા હિસ્સો સાયબર સેફ્ટી અને હેકિંગના પડકારોને પહોંચી વળવાની રણનીતિ બનાવવા અને સમાધાન શોધવા પર ખર્ચ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત સહિત દુનિયામાં બેન્કોની સ્વિફ્ટ સિસ્ટમને હકે કરી બેન્કોના ડોલર એકાઉન્ટમાંથી પૈસા ગજવે ઘાલવાના કિસ્સા વધ્યા છે. આ સિસ્ટમ એક દેશની બેન્કને દુનિયાની બેન્કો સાથે જોડે છે. એક વર્ષમાં ભારતની ચાર બેન્કોની સ્વિફ્ટ સિસ્ટમમાં ઘૂસ મારીને હેકર્સ 1,518 કરોડ રૂપિયા ચોરી ગયા હતા!