સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી-રસ્તા માટે 730.79 લાખના કામો મંજૂરNovember 14, 2018

સુરેન્દ્રનગર તા.14
રાજયના પાણી પૂરવઠા મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જીલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં મંત્રી બાવળીયાએ જણાવ્યું હતુ કે, જીલ્લના આયોજન મંડળના કામોમાં આંગણવાડી, શાળાના પ્રશ્ર્નોે, પાણી, રસ્તા, પંચાયતઘર જેવા સામૂહિક વિકાસ કામોને અગ્રતા આપવી જોઇએ અને તાલુકાના દરેક ગામોનો આ કામમાં સમાવેશ થાય તે જોવું જોઇએ.
આ બેઠકમાં સુરેન્દ્રનગર જીલ્લા માટે રૂ. 730.79 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં 15 ટકા વિવેકાધિન સામાન્ય હેઠળ રૂ. 355.00 લાખ, 15 ટકા વિવેકાધિન (અ.જા.)રૂ. 65 લાખ, 5 ટકા પ્રોત્સાહક હેઠળ રૂ. 10 લાખ, ખાસ પછાત વિસ્તાર રૂ. 19.94 લાખ, નગરપાલિકા વિસ્તાર માટે રૂ. 120.85 લાખ તથા વિવેકાધિન યોજના હેઠળ રૂ. 164 લાખના કામોનો સમાવેશ થાય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા કામોમાં એસ્ટીમેન્ટ સત્વરે બનાવી તમામ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી સમયસર કામ શરૂ કરી દેવા જોઇએ જેથી જીલ્લાને મળેલી વિકાસ કામોની ગ્રાન્ટનો સમયસર ઉપયોગ થઇ શકે.
જીલ્લા કલેકટર કે. રાજેશે જણાવ્યું હતુ કે, આયોજન મંડળના કામોમાં સંસદસભ્ય, ધારાસભ્ય અને જીલ્લાના પદાધિકારીઓ જે કામ સૂચવે તે તમામને ધ્યાનમાં રાખીને જે તે તાલુકાના કામોનું આયોજન કરવું જોઇએ.
આ બેઠકમાં ઉપસ્થિત સુરન્દ્રનગર સાંસદ તથા ધારાસભ્ય સોમાભાઇ પટેલ, ધારાસભ્ય નવસાદ સોલંકી, ધારાસભ્ય ઋત્વીક મકવાણા, જીલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેને ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો રજુ કર્યા હતા, જે સૂચનો ધ્યાને લેવા મંત્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ, તેમજ જીલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.
---------------------