કાલે તમિળનાડુ પર ત્રાટકશે વાવાઝોડું

  • કાલે તમિળનાડુ પર ત્રાટકશે વાવાઝોડું

 આજે તમિળનાડુ અને આન્ધ્રના કાંઠાળ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
ચેન્નઇ તા.14
તમિળનાડુના કાંઠા વિસ્તારમાં 15મી નવેમ્બરે બપોરે વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરાઇ હતી. આ ઉપરાંત, વાવાઝોડાની માઠી અસરને કારણે તમિળનાડુ અને આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તારોમાં આજ તા.14 ને બુધવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું મંગળવારે ચેન્નઇથી ઇશાનમાં અંદાજે 740 કિલોમીટર દૂર કેન્દ્રિત થયું હતું.
ગજ નામનું આ વાવાઝોડું નૈર્ઋત્યમાં આગળ વધતી વખતે ધીરે ધીરે નબળું પડવાની શક્યતા છે. આ વાવાઝોડું તમિળનાડુના પાંબન અને કડલૂરની વચ્ચેથી 15મી નવેમ્બરે બપોરે પસાર થશે.
વાવાઝોડાની અસરને લીધે ઉત્તર તમિળનાડુના કાંઠા વિસ્તાર અને તેની આસપાસના જિલ્લામાં તેમ જ આંધ્ર
પ્રદેશમાં 14મી નવેમ્બરે ભારે વરસાદ થવાની શક્યતા છે.
વાવાઝોડામાં પવનની ઝડપ કલાક દીઠ 70 કિલોમીટરથી વધીને 110 કિલોમીટર થવાની સંભાવના છે. તમિળનાડુના નાગપટ્ટીનમ, પુડુક્કોટ્ટાઇ, તાંજવુર, રામનાથપુરમ જેવા વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની અસરને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શક્યતા છે. આ ઉપરાંત, કરૈકાલમાં ભેખડો પડવાનો પણ ભય વ્યક્ત કરાયો હતો.
માછીમારોને બંગાળના ઉપસાગરમાંના દક્ષિણ અને મધ્યમાંના જળવિસ્તારમાં 13મીથી 15મી નવેમ્બર સુધી નહિ જવાની સલાહ અપાઇ હતી.
તમિળનાડુ સરકારે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને લીધે તાકીદના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. રાજ્યે બચાવ અને રાહત કામગીરી માટે અંદાજે 31,000 જણને તૈયાર રાખ્યા છે. રામનાથપુરમ જિલ્લાના સત્તાવાળાઓએ પાંબનમાં લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપી હતી.