મનના દીપ પ્રગટાવીએ આજેNovember 07, 2018

દિવાળીની રજા પહેલા એક શિક્ષકે પોતાના વર્ગને એક રમત રમાડી. બધાં જ બાળકોએ એક ચિઠ્ઠીમાં બીજા બાળકો વિષે કંઈક સારું લખવાનું. જે વ્યક્તિઓં સાથે વર્ષો વિતાવ્યાં હોય, એ વ્યક્તિની તમને સૌથી વધારે કંઈ વસ્તુ ગમે છે એ વિચારવાનું અને લખવાનું. આ કરવા પાછળનો શિક્ષકનો એક જ હેતુ - દિવાળીની ભેટ સ્વરૂપ બાળકો વચ્ચે હકરાત્મક સ્પંદનોની આપ-લે થાય.
વર્ષો વિત્યાં. બધાં જ બાળકો હવે યૌવનસ્થાને માણી રહ્યાં હતાં. કોઈક ડોક્ટર તો કોઈક વેપારી - દરેકે જીવનમાં મન જોઈતું મેળવી લીધેલું. એક બાળક સેનામાં ભરતી થયેલો. કાશ્મીરના આતંકવાદી હુમલામાં એને પોતાની જાન ગુમાવી. એની અંતિમવિધિ વખતે આખો એનો વર્ગ ભેગો થયો. શિક્ષક પણ હાજર હતાં. અંતિમવિધિમાં શહિદ યુવાનના પિતા બે શબ્દ બોલવા ઊભા થયા.
"મારો દીકરો શહિદ થયો છે એનો મને ગર્વ છે. એની બહાદુરી, એનું ઈમાન એ બધું એના શિક્ષણની ભેટ છે. અમે બધાંએ એને ખૂબ પ્રોત્સાહન આપેલું. પણ સૌથી વધુ પ્રોત્સાહન એને એક નાની ચિઠ્ઠીથી મળ્યું છે. આજે એના શિક્ષક, જેમણે આ ચિઠ્ઠી એને અપાવી છે તે અહીંયા હાજર છે. મારે એમનો આભાર માનવો છે કે મારા દીકરાની દરેક દિવાળી એમણે સુધારી દીધી. ખરેખર તો આ ચિઠ્ઠી એના જીવનનું પ્રેરણા સ્ત્રોત છે. તમને બધાંને એક પ્રશ્ર્ન થતો હશે કે એવું તો શું છે આ ચિઠ્ઠીમાં? ચિઠ્ઠીમાં માત્ર બાવન વાક્ય છે. પણ દરેક વાક્યમાં મારા દીકરાના ગુણની પ્રશંસા થઈ છે. એ સારો મિત્ર અને સારો વ્યક્તિ હતો એની ખાતરી એને આ ચિઠ્ઠીએ સતત પ્રેરણા આપી છે. બસ એ જ એની પ્રેરણા છે. એ જ એનું તેજ સ્ત્રોત પણ છે.
શિક્ષકની આંખ ભીંજાઈ ગઈ. એક નાની રમત કોઈના જીવનમાં આવું યોગદાન આપશે એવું એમને કલ્પ્યું પણ ન હતું. અંતિમવિધિ પછી, બાકીના છોકરાઓં પણ શિક્ષકને મળી પોત-પોતાની વાર્તા કહેવા લાગ્યાં. દરેક પાસે એ ચિઠ્ઠી હતી; દરેક માટે એ ચિઠ્ઠી અંતરસ્ફુરણાનું કારણ બની હતી. જયારે જીવનના પૂરમાં વહી જવાની અણીએ હતાં ત્યારે આ ચિઠ્ઠીએ એમને બચાવ્યાં હતાં. એ હકારાત્મક સ્પંદનો જાણે આખી જિંદગી ઈશ્ર્વરનો આશીર્વાદ બની વરસ્યા હતા.
વાર્તાનું સારતત્ત્વ એ કે આજના આ જમાનામાં કોઈના માટે સારું બોલતા આપણે ભૂલી જ ગયા છીએ. માત્ર ફરિયાદ અને વિવેચનાની જ ચિઠ્ઠીની આપ-લે કરીએ છીએ. આ દિવાળીએ પ્રેમ અને લાગણીની આપ-લે કરીએ. આપણાં આંતરીય દીપ થકી બીજાં કેટલાયે દીપ પ્રગટાવી શકવાની તાકાત આપણે ધરાવીએ છીએ. તો આજે એ શક્તિનો અનુભવ કરીએ. ખરેખર દીપ પ્રગટાવીએ - ઘરને આંગણે અને આત્માને ઉંબરે!
દિવાળીની ખૂબ શુભેચ્છા!