વડાલ નજીક ટ્રકે ઠોકર મારતા બાઈક સવાર બે યુવાનના મોતOctober 22, 2018

 મોડી રાત્રે
અકસ્માતથી
પરિવારમાં ઘેરો શોક
જૂનાગઢ તા. 22
ગત રાત્રીના એક કાળમુખા ટ્રકે એક બાળકને હડફેટે લેતા બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યા હતાં. આ અકસ્માતમાં અકાળે મરણ જનાર વિપ્ર યુવાનનો પરિવાર ઘેરા શોકમાં ડુબ્યો છે, પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જુનાગઢ-રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના દોઢથી પોણા બે વચ્ચે બનેલ આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના બાલાગામ ખાતે રહેતા જયદીપ કિશોભાઈ પંડયા ઉ.વ.24 તેના મીત્ર વિશાલ સાથે બાઈક પર આવી રહ્યા હતા ત્યારે વડાલ નજીક ગ્રીનહર્ટ હોટલ પાસે કાળમુખા ટ્રક નં.જી.જે.કયુ 8382 ના ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા જયદિપ પંડયા તથા વિશાલનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું.
આ ઘટના અંગે મરણજનાર જયદિપના પિતા કિશોરભાઈએ પોલીસને જાણ કરતા તેઓ જુનાગઢ ખાતે પહોંચ્યા હતાં અને ટ્રક ચાલક સામે જુનાગઢ તાલુકામાં ફરીયાદ નોંધાવી હતી. બનાવની કરૂણતા એ છે કે, મરણ જનાર જયદિપ પંડયા સાથે તેનો મિત્ર વિશાલ કોણ છે તે ફરીયાદી જયદીપના પિતા ઓળખતા નથી ત્યારે પોલીસે વિશાલના વાલીની શોધ માટે તજવીજ આદરી છે.