ટીમ-ઇન્ડિયાની વિક્ટરી પણ વિક્રમી October 22, 2018

ગુવાહાટી તા.22
કેપ્ટન વિરાટ કોહલી (140) અને રોહિત શર્મા (152, અણનમ)ની શાનદાર સદીઓની મદદથી ભારતે ગુવાહાટી ખાતે રમાયેલી પાંચ મેચોની વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે સજ્જડ પરાજય આપ્યો છે. 323 રનના મોટા સ્કોરનો પીછો કરતા ભારતે રોહિત-કોહલીની શાનદાર ફટકાબાજીના સહારે માત્ર 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર કરી લીધો હતો.
કોહલીએ કરિયરની 36મી જ્યારે રોહિત 20મી સદી ફટકારી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે શાનદાર 246 રનની પાર્ટનરશિપ નોંધાઇ હતી. ભારતે પાંચ મેચોની સીરીઝમ 1-0થી લીડ મેળવી લીધી છે. કોહલીએ કરિયરની 36મી સેન્ચુરી સાથે પોતાની કુલ ઇન્ટરનેશનલ સદીઓનો આંકડો 60 કરી દીધો છે. આ ઉપરાંત તેણે વધુ એક સિદ્વિ મેળવી છે. તેણે કેપ્ટન તરીકે 14મી સદી ફટકારી છે. તેણે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિ વિલિયર્સને આ લિસ્ટમાં પાછળ છોડી દીધો છે જેણે કેપ્ટન તરીકે 13 સેન્ચુરી ફટકારી છે.
હવે વિરાટ આ લિસ્ટમાં માત્ર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગની પાછળ છે જેના નામે કેપ્ટન તરીકે 22 સદી છે. અગાઉ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. શિમ્રોન હેટમાયરના આક્રમક 106 રનની ઇનિંગના સહારે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ 322 રનનો સ્કોર બનાવ્યો. હેટમાયર ઉપરાંત કિરન પોવેલે 51 અને કેપ્ટન જેસન હોલ્ડરે 38 રનનું યોગદાન આપ્યું હતું.