જૂનાગઢમાં 500 અને 2000 વાળી 1.53 લાખની જાલી નોટો પકડાઇOctober 20, 2018

 એ.ટી.એસ.ના દરોડામાં એક શખ્સ ઝબ્બે : પાકિસ્તાનથી વાયા બાંગ્લાદેશ બનાવટી નોટો ઘૂસાડવાનું ચાલુ જ : આમાં કયાં ફળી નોટબંધી !?
જૂનાગઢ તા.20
નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમે એટીએસને આપેલી બાતમીના આધારે જૂનાગઢમાં એટીએસે દરોડો પાડી રૂા.1.પ3 લાખની નકલી નોટો સહિત એક શખ્સને પકડી પાડયો હોવાની ચર્ચા જૂનાગઢમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.
ગુજરાતમાં નકલી નોટો પશ્ર્ચીમ બંગાલમાંથી મોટા પાયે આવી રહી છે તેવી બાતમી નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમે એટીએસને આપી હતી, જેના પગલે એટીએસ ટીમે જૂનાગઢ આવી શહેરના મધુરમ સોસાયટીમાં રહેતા સંજય દેવડીયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડી અસલી જેવી જ રૂા.2000 અને 500 ના દરની હાઇ સિકયુરીટી ફીચર્સ જેવી રૂા.1.53 લાખની નકલી નોટો પકડી પાડી હતી. તેમાં રૂા.500 ના દરની 92 નકલી નોટો અને રૂા.2 હજારના દરની 53 નોટોનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા નવી રૂા.2 હજાર અને 500 ની નોટો નકલી બનાવી નહીં શકાય તેવો દાવો કરાયો હતો ત્યારે જ હાઇસિકયુરિટી ફીચર્સ જેવી જ રૂા.2 હજાર અને રૂા.500 ની નકલી નોટો એટીએસે જૂનાગઢમાંથી પકડી પાડી હોવાનો દાવો કરે છે. જેનાથી સરકારનો આ દાવો પોકળ સાબિત થયો છે અને પાકિસ્તાનથી બાંગ્લાદેશ વાયા થઇને પશ્ર્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં આવી નોટો ઘુસાડાય રહી હોવાનો નેશનલ ઇન્વેસ્ટીગેશન ટીમે એટીએસને આપી છે ત્યારે સરકારના પોકળ દાવાઓ વચ્ચે જો એટીએસને નકલી નોટો હાથમાં આવી હોવાનો દાવો સાચો હોય તો આવી નોટો ગુજરાતમાં કેટલી, કયાંથી અને કોના દ્વારા ઘુસાડવામાં આવી છે ? તે તપાસનો વિષય બની રહેશે. હાલમાં તો એટીએસે જૂનાગઢના એક શખ્સની રૂા.1.53 લાખની નકલી ચલણી નોટો સાથે પકડી પાડી આ નોટો કયાંથી આવી ? અને નકલી નોટો ઘુસાડવામાં સંડોવાયેલા કોણ અને કયાંના છે ? તે અંગેની એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની વાત છે.