ક્રિકેટર જાડેજાના પત્ની રિવાબા જાડેજા હવે કરણી સેનાના મહિલા પ્રદેશ પ્રમુખ

ગુજરાતમાં મહિલા સંગઠનનો પણ
થશે વિસ્તાર
રાજકોટ તા. 19
દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના શાસ્ત્રીનગર પાછળની રત્નાગર વાડી ખાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.
રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે. રિવાબા પર પોલીસ કર્મી દ્વારા હુમલાના સમયે કરણી સેનાએ રીવાબાનું સમર્થન કર્યું હતું. હવે રિવાબાની અધ્યક્ષતામાં મહિલા વિંગને પણ મજબૂત કરવામાં આવશે. કરણી સેના ધીમેધીમે ગુજરાતમાં પોતાની પક્કડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. કરણી સેનાનું સૌથી વર્ચસ્વ રાજસ્થાનમાં છે. પદ્માવતી ફિલ્મના વિરોધ બાદ રાજપૂત કરણી સેનાનો દેશમાં દબદબો વધ્યો છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂતો જોડાયેલા છે.
રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. રીવાબાઅને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુનની રાત્રે 1.16 વાગે નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. રિવાબાએ આગામી સમયમાં સમાજની મહિલાઓને સશક્ત બનાવી દરેક ક્ષેત્રમાં આગળ લાવવાના તમામ પ્રયાસો કરી છૂટવા માટે ખાતરી આપી હતી.