સુરતની મંત્રમુગ્ધ મૂરત : 35,000 દિવડા સાથે માં ઉમિયાની મહાઆરતી

શકિતની આરાધનાના પર્વ નવરાત્રિમાં આઠમા નોરતાએ સુરતનાં એ.કે.રોડ ઉપર ઉમિયાધામમાં એકસાથે 35હજાર દિવડા પ્રગટતા વાતાવરણમાં જાણે દિવ્ય શક્તિપુંજનું નિર્માણ થયું હતું. આ અનેરા પ્રસંગનું દ્રશ્ય હવે માત્ર સુરત જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતના લોકોના માનસપટ ઉપર ચિરસ્મરણીય બની ચૂક્યું છે. છેલ્લા 25 વર્ષથી થઈ રહેલા આ વિશેષ આયોજનનું આ રજતજયંતિ વર્ષ છે. આ આયોજનની વિશેષતા એ હતી કે, 155 મશાલ સાથે સ્વયંસેવકો અને માથે ગરબી લઈને 81 બહેનોએ આખા પરિસરમાં ફરીને માત્ર ત્રણ જ મિનિટમાં જ 35હજાર જેટલા દિવડા પ્રગટાવ્યા હતાં. બુધવારે આ હજારો દિવડાથી પ્રકાશિત માતાજીના મંદિરના પરિસરને લીધે સમગ્ર વિસ્તારનું વાતાવરણ અલૌકિક બની ગયુ હતું. જાણે ધરતી ઉપર માતાજીના સાક્ષાત અવતરણનો અનુભવ હજારો ભક્તોના હ્રદયમાં થયો હતો. આઠમના દિવસની આ મહાઆરતીના અવસર બાદ છેલ્લા દિવસે માતાજીનો ગરબો વળાવવા માટે પણ અનન્ય આયોજન કરાયું છે.