ખંભાળિયાનાં ભરાણામાં યુવાનની લોથ ઢળી

ખંભાળીયા તા.18
ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક બાવાજી યુવાનને આ જ ગામના એક ક્ષત્રિય યુવાને
લોખંડનાં પાઇપ ઝીંકીને કરપીણ હત્યા નીપજાવી હોવાનો બનાવ જાહેર થયો છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ ખંભાળીયા તાલુકાના વાડીનાર નજીકના ભરણા ગામે રહેતા જયેશગર નથુગર મેઘનાથી નામના 36 વર્ષના બાવાજી યુવાન હાલ ભરાણા ગામે તેમના માતા ગૌરીબેન સાથે રહેતા હતા. તેમના ધર્મપત્ની પ્રીતિબેન થકી તેઓને બે પુત્રી રીતેશગીરી (ઉ.વ.8) અને શૌર્ય (ઉ.વ.4) છે. પ્રીતિબેનને કોઇ બાબતે પતિ જયેશગર સાથે અણબનાવ હોવાથી હાલ તેણી તેના પિતાના ઘરે હડિયાણા મુકામે છેલ્લા છએક માસથી રીસામણે બેઠી છે.
આ દરમ્યાન ગઇકાલે બુધવારે બપોરના સમયે જયેશગર મેઘનાથી તથા ભરાણા ગામનો બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજા અને હીટાચી મશીનના ચાલક મુળ પંજાબના અને હાલ ભરાણા ગામે રહેતા જશવીંદરસિંગ કલવંતસિંગ જાટ નામના ત્રણ યુવાનોએ સાથે જમ્યા બાદ જયેશગર હિટાચી મશીનના છાંયે સુઇ ગયો હતો.
પાછળથી કોઇ કારણોસર બોલાચાલી કે મનદુ:ખના અનુસંધાને બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજાએ જયેશગરને લોખંડના પાઇપ આડેધડ ઝીંકી દેતા તેનું લોહીલુહાણ હાલતમાં અહીંની હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું.
હત્યાના બનાવ દરમ્યાન પાણી ભરવા ગયેલા હીટાચી મશીનના ચાલક જશવીંદરસીંગ પંજાબીના ધ્યાને આ હત્યાનો બનાવ આવ્યા બાદ આરોપી બ્રિજરાજસિંહે જશવીંદરને આ બનાવની કોઇને જાણ ન કરવાનું કહી ધમકી આપીને નાશી ગયો હતો.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટા ભાઇ દ્વારકા ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા હસમુખગર નથુગર મેઘનાથી (ઉ.વ.38) એ બ્રિજરાજસિંહ મંગળસિંહ જાડેજા (રહે.ભરાણા) સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302 તથા જીપી એકટ મુજબ ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.
મૃતક જયેશગર મેઘનાથી ઉપર ચારીત્ર્યની શંકાના આધારે જીવલેણ હુમલો કરાયા બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે. હત્યાના આ બનાવે વાડીનાર તથા ભરાણા પંથકમાં ભારે ચકચાર જગાવી
છે. આ સાથે પોલીસે પણ
વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.