સ્વાતંત્ર પર્વના ખર્ચ મુદ્દે સુરેન્દ્રનગર ન.પા.ના જનરલ બોર્ડમાં સટાસટીOctober 25, 2018

 ભારે હોબાળાથી ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ન.પા. પ્રમુખે ચાલતી પકડી
સુરેન્દ્રનગર તા,25
સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાનું જનરલ બોર્ડ પાલિકાના સભાખંડમાં ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં કોંગ્રેસ સહિત ભાજપના અમુક સદસ્યોએ વિવિધ એજન્ડાનો વિરોધ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાનું સામાન્ય જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં તમામ 11 વોર્ડના ભાજપ અને કોંગ્રેસના ચુંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જે દરમ્યાન પાલિકા તંત્ર દ્વારા વિવિધ મુદ્દે અને વિકાસના કામો અંગે એજન્ડાઓ રજુ કરવામાં આવ્યાં હતાં.
ત્યારે કોંગ્રેસના સદસ્ય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના સ્વતંત્રપર્વની ઉજવણીમાં થયેલ અંદાજે રૃા. 70 લાખના ખર્ચનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કોંગ્રેસના સદસ્યોએ સમર્થન આપ્યું હતું. જયારે ભાજપના સદસ્ય ભાસ્કરભાઈ દવે દ્વારા પણ શૌચાલય તેમજ રોડ, રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. રજુ કરાયેલ મોટાભાગના એજન્ડાનો ભ્રષ્ટાચાર
મુદ્દે વિરોધ થતાં ચીફ ઓફીસર અમીતભાઈ પંડયા, પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા અને કારોબારી સમિતિના ચેરમેન બકાલાલ પરમાર સહિતનાઓ ચાલુ બોર્ડને સદસ્યોની રજુઆતો સાંભળ્યા વગર ગણતરીની મીનીટોમાં બોર્ડ પુર્ણ કરેલું જાહેર કરી સભાખંડમાંથી વોકઆઉટ કર્યું હતું.
ત્યારે કોંગ્રસના સદસ્યોએ ભ્રષ્ટાચાર મુદ્દે સુત્રોચ્ચારો કરી રોષ દાખવ્યો હતો અને પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતાં. જો કે પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ તમામ એજન્ડા અને કામો નિયમ મુજબ અને સદસ્યોની સર્વાનુમત્તે સંમતિથી થયાં હોવાનું જણાવ્યું હતું. આમ પાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસ સહિત અમુક ભાજપના સદસ્યોએ અમુક એજન્ડાનો વિરોધ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.