મિતાલીની સદીથી કાંગારુ થયા ધરાશાયી

મુંબઈ તા,25
મિતાલી રાજના નવો વિક્રમ સર્જેલ અણનમ સદીના બળે ઈન્ડિયા-એ ટીમે ઑસ્ટ્રેલિયાની સમોવડી ટીમને 28 રનથી ગઇકાલે અહીં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના ગ્રાઉન્ડ પર હરાવી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ લીધી હતી. આ પરિણામના કારણે આ જ સ્થાને યોજાનારી ત્રીજી અને આખરી મેચ હવે ફક્ત નોંધ પૂરતી રમાશે.પીઢ બેટધર મિતાલીએ ઓપનર તરીકે રમતા 61 બોલમાં અણનમ 105 રન કરવામાં પ્રવાસી ગોલંદાજોને ઝૂડી કાઢી હતી અને આ સાથે તેણે ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવવામાં સ્મૃતિ મંધાનાનો અગાઉનો વિક્રમ તોડ્યો હતો. મિતાલીએ તેની અડધી સદી 31 બોલમાં અને સદી 18 ચોક્કા તથા એક છગ્ગા સાથે માત્ર 59 બોલમાં પૂરી કરી હતી. મિતાલીની બેટિંગથી આયોજક રાષ્ટ્રની ટીમે પાંચ વિકેટે 184 રનનો જંગી જુમલો ખેડ્યો હતો, જેમાં સુકાની હરમનપ્રીત કૌરનો 57 રનનો ફાળો હતો.