હાઈ બ્લડપ્રેશરમાં આયુર્વેદ દ્વારા મૂળગામી ઉપચારOctober 24, 2018

રસિકભાઈને છેલ્લાં થોડાં સમયથી હાઈ બી.પી.(હાઈ બ્લડ પ્રેશર)ની તકલીફ રહેતી હતી. બિઝનેસનું ટેન્શન, ઘરની નાની મોટી સમસ્યા અને વારેવારે લેવી પડતી દવાઓથી તેઓ કંટાળી ગયા હતાં. હવે એમની આયુર્વેદિક ઉપચારની ઈચ્છા હતી. માનસિક શાંતિ અને તણાવ મુક્ત થવાનો રસ્તો જોઈતો હતો. એમને સમજાવ્યું કે, આયુર્વેદ પ્રમાણે હાઈ બી.પી.નો મૂળગામી ઉપચાર કરવો જરૂરી છે. આ માટે ફક્ત દવાઓ નહીં પણ પંચકર્મની શુદ્ધિકરણની પ્રક્રિયા અને ધ્યાનયોગ અતિ આવશ્યક છે. રસિકભાઈ એ પૂરી નિષ્ઠાપૂર્વક બધાં જ ઉપચાર કર્યા અને પુન: સ્વસ્થ થયા.
આયુર્વેદમાં સીધું જ હાઈ. બી.પી.નું વર્ણન ઉપલબ્ધ નથી પણ સામાન્ય રીતે "રક્તગત વાત તરીકે તેને સમજવામાં આવે છે. આયુર્વેદ અનુસાર વાત કે વાયુ દોષ બધાં જ પ્રકારની ક્રિયાઓ માટે જવાબદાર છે. અન્ય બે દોષ - પિત્ત,કફ, સાત ધાતુ, મળો અને ઇંદ્રિયોના કાર્યો પણ વાયુનાં સંતુલન પર આધારિત છે. સાત ધાતુઓ પૈકી રક્ત ધાતુ(રસ સહિત)ને રક્ત (બહજ્ઞજ્ઞમ) સાથે અમુક અંશે સરખાવી શકાય છે. વાયુના કારણે જ હ્રદયગતિ અને હૃદયમાંથી રક્તને બહાર ફેંકવાનું (તુતજ્ઞિંહય) અને અંદર લઈ જવાનું (મશફતજ્ઞિંહય) કાર્ય થાય છે. વાયુ અને પિત્તનાં વિવિધ પ્રકાર જેમકે, વ્યાન વાયુ, ઉદાન વાયુ, રંજક પિત્ત, સાધક પિત્ત, અવલંબક કફ,વગેરેનાં સંયુક્ત પ્રયાસો રૂપે ઉપરોક્ત કાર્ય સંપન્ન થાય છે. જેમાં વ્યાનવાયુ મુખ્ય છે જે હૃદયથી રક્તના વિક્ષેપણ અને રક્તને હૃદયમાં લાવવા માટે વિશેષરૂપથી જવાબદાર છે. જયારે વાયુની દુષ્ટિ થાય છે ત્યારે દૂષિત વાયુ રક્તધાતુ સાથે સંલગ્ન થઈને રક્તપરિભ્રમણમાં અવરોધ ઉત્પન્ન કરે છે. વધુમાં રજસ અને તમસ માનસ દોષો પણ હાઈ બી.પી. થવામાં મુખ્ય ભાગ ભજવે છે.
: હાઈ બી.પી.નાં મુખ્ય કારણો :
* અનિયમિત ઊંઘ
* અયોગ્ય આહારશૈલી, વિરુદ્ધ આહાર
* અનિયંત્રિત સ્ટ્રેસ અને ટેન્શન
* સ્મોકિંગ, તમાકુ, આલ્કોહોલ જેવાં વ્યસન
* વ્યવસાયિક હરીફાઈ, પારિવારિક કે વ્યક્તિગત તણાવ
* અનિયમિત જીવનશૈલી
: હાઈ બી.પી.નો આયુર્વેદિક ઉપચાર :
આયુર્વેદ અનુસાર હાઈ. બી.પી.નાં ઉપચાર અંતર્ગત વાયુ અને પિત્ત-રક્ત સંતુલન સંબંધિત સર્વ ઉપચાર કરવા આવશ્યક છે.
પંચકર્મની આયુર્વેદિક શુદ્ધિકરણની પ્રક્રિયા જેમકે, વિરેચન, બસ્તિ,રક્તમોક્ષણ,શિરોધારા - તક્ર ધારા/ક્ષીર ધારા/તૈલ ધારા, શિરો પિચુ, શિરો બસ્તિ, શિરોલેપ, અવગાહ, વગેરે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદોક્ત દિનચર્યા-જીવનશૈલી, માનસિક સ્વાસ્થ્ય માટે સદવૃત્ત પાલન, આચાર રસાયન અને આહાર યોજનાનું પણ હાઈ બી.પી.નાં ઉપચારમાં એટલું જ મહત્વ છે.
સર્પગંધા,અર્જુન,લસણ, આમળાં, અશ્ર્વગંધા, બ્રાહ્મી, બલા, ગળો, જટામાંસી, તુલસી, આદુ, અરડૂસી, પુનરનવા, વગેરે ઔષધિઓ અને તેનાં ઔષધ યોગો પણ હાઈ બી.પી.માં સારું પરિણામ આપે છે.
: ધ્યાનયોગ ચિકિત્સા :
ધ્યાનયોગ શાસ્ત્ર અનુસાર માનસિક તણાવને કારણે હ્રદયચક્ર અને આજ્ઞાચક્ર પર પડતાં દૂષિત ઊર્જાનાં પ્રભાવને હાઈ બી.પી.ના ઉપચારમાં દૂર કરવું આવશ્યક છે. ચિત્તની સંતુલિત સ્થિતિ ધ્યાન દ્વારા જ શક્ય છે. રેડક્રોસ સોસાયટીના દર્દીઓ પર ધ્યાનના આઠ દિવસનાં અભ્યાસ દરમિયાન કરેલાં સંશોધનો પણ સમર્પણ ધ્યાન દ્વારા હાઈ બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર સુધારો છે. આ ઉપરાંત દીર્ઘ શિથિલિકરણ, શ્ર્વસન સંબંધિત યૌગિક ક્રિયા, પ્રાણાયામ અને અન્ય આસનો પણ ઉપચારમાં સહાયક છે.
વિશેષ: ઉંમર અને રોગ કે રોગીની અવસ્થાનો ખ્યાલ કર્યા વગર જો કપાલભાતિનો અભ્યાસ કરવામાં આવે તો એનાં કારણે બી.પી. અને એન્કઝાઇટી વધી શકે છે જેનો ખાસ ખ્યાલ રાખવો.
: હાઈ બી.પી.નાં રોગીઓએ આટલું ખાસ ધ્યાન રાખવું :
* પ્રાકૃતિક વેગોને ન રોકવા.
* ઉત્તમ ગુણવત્તા યુક્ત, તાજો, ફળ, શાકભાજી, વગેરેથી ભરપૂર સંતુલિત આહાર લેવો.
* વધુ પડતો ઠંડો કે ગરમ, રુક્ષ કે તૈલીય, વાસી, પ્રિઝર્વ કરેલો ખોરાક, પેકડ ફૂડ, પચવામાં ભારે આહાર, જંક ફૂડ,ખાટું, તીખું, ખારું ન લેવું.
* સવારે વહેલાં સૂર્યોદય પહેલાં ઊઠવું અને રાત્રે દસ વાગ્યે મોડામાં મોડું સૂઈ જવું.
* માંસાહારનો ત્યાગ કરવો.
* નાળિયેર પાણી, દાડમ, બદામ,અખરોટ, આદુ, તુલસી, કેળાં, તરબૂચ, મોળી તાજી છાશ, ઓછી ખાંડ કે પ્રાકૃતિક ગોળવાળા પદાર્થો વધુ હિતકર છે.
* ચા, કોફીનો સીમિત ઉપયોગ કરવો અથવા ઓછા કરવાં, કારણકે તેમાં રહેલ કેફીનનાં કારણે બ્લડપ્રેશર વધે છે.
* ઉચિતરૂપથી સૂર્યનાં કુમળાં કિરણોનું રોજ સેવન કરવું.
* સવારની તાજી શુદ્ધ હવામાં ચાલવું.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)