ગઢડા સ્વામિ. મંદિરમાં હરિભકતને ‘પાટુ’

 એસપી સ્વામીએ ગડદાપાટુ મારતો હોય તેવો વીડિયો વાયરલ થતા ખળભળાટ: બોર્ડની ચૂંટણી મામલે સ્વામી બન્યા દબંગ ગઢડા(સ્વામી) તા.23
ગઢડા(સ્વામીના) મુકામે આવેલા વડતાલ તાબાના ગોપીનાથજી દેવ મંદિરની ટ્રસ્ટીબોર્ડની ચુંટણી પુર્વે અત્યાર સુધી ચાલતા રહેલા કાનુની વિવાદો બાદ એક હરિભકતને એસ.પી.સ્વામી દ્વારા પાટુ મારતા હોવાનો વિડીયો વાયરલ થતા ભારે ભળભળાટ મચી જવા પામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રસ્ટી બોર્ડની ચુંટણી અનુસંધાને રાકેશ પ્રસાદજી અને અજેન્દ્રપ્રસાદજીના ભાવી આચાર્ય માટે પડેલા ભાગલાઓ અને જુથવાદ થી છેલ્લા ઘણા વર્ષોથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલતો રહ્યો છે. તાજેતરમાં કોર્ટના હુકમ મુજબ બોર્ડની ચુંટણી માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલી મતદાર યાદી તથા મતદાર સુધારણા માટે ચાલતી કાર્યવાહી દરમિયાન રાકેશપ્રસાદજી જુથના કેટલાક સંતો અને હરિભકતો મંદિરની ઓફિસે રજુઆત કરવા ગયેલા.
તે દરમિયાન ગઢડાના હરિભકત હરસુરભાઇ ખાચર દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવતા અને રકઝક દરમિયાન તમારો બાપ છું. તેવો શબ્દ પ્રયોગ કરવામાં આવતા વાતાવરત ઉગ્ર બની ગયુ હતુ. આ દરમિયાન સંસ્થાની ઓફિસમાંજ એસ.પીછ.સ્વામી દ્વારા ઉશ્કેરાઇ જઇને પાટુ મારવા દોડતા હોવાનો વિડિયો કોઇ એ ઉતારીને વાયરલ કરતા ભારે ચકચાર ફેલાવા પામેલ છે. મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ધૃવ જેવા વિવાદોનો કયારેય અંત આવે તેવી પરિસ્થિતી નથી.
એક તરફ પ્રાઇવેટ ગુરુકુળો અને કરોડોની પ્રાઇવેટ અકસ્યામતો ધરાવતા સાધુઓનું જુથ અને બીજી આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના જુથ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા હરિભકતોમાં દુ:ખની લાગણી ફેલાવા પામેલ છે. સમાજ સુધારણા અને માનવ કલ્યાણ માટે સ્થાપવામાં આવેલા ધર્મના પ્રતિનિધિઓ પોતે જ વિતંડાવાદમાં સપડાય જતા સાચા હરિભકતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આવા વિવાદો વચ્ચે અનેક રાજકીય સમિકરણો પણ ભાગ ભજવતા બળતામાં ઘી હોમવા જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.