અલી નોરતાની રાત રૂડી આવી રે...October 08, 2018

આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી શારદીય નવરાત્રીનો મહાઉત્સવ. આ નવરાત્રી વર્ષની ચારેય નવરાત્રીઓમાં સૌથી મોટી નવરાત્રી છે. આ નવરાત્રી ભારતભરમાં ઉજવાય છે પરંતુ આપણા ગુજરાતમાં નવરાત્રી ઉત્સવનો અંદાજ અને મિજાજ કંઇક ઓર જ હોય છે !
વાતાવરણમાં વરસાદ વરસી ગયા પછીની આહલાદકતા, નિરભ્ર આકાશ અને શુભ ચાંદનીના અજવાળામાં ઉજવાતો આ ઉત્સવ લાવણ્યમયી લાગે છે. શકિતની આરાધનાનું આ પર્વ અને આહલાદક વાતાવરણ સાધકોને ઉપાસના કરવા પ્રેરે છે. નવરાત્રીના નવલા દિવસોમાં આપણે ત્યાં ચોકે ચોકે ગરબી રમાય છે. દરેક મહોલ્લા કે સોસાયટીમાં, ચોકમાં બાળાઓ માતાજીની જેમ શણગાર સજી ગરબે રમે છે. મંડપ મધ્યે માતાજીની છબી પધરાવી તેને ફરતી બાળાઓ ગરમે રમે છે ત્યારે વચ્ચે રહેલી છબીમાં અને આસપાસ ઘુમતી બાળાઓ બન્નેમાં સાક્ષાત ભગવતીમાઁના દર્શન થાય છે. આમ તો ગરબો સર્વત્ર રમાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ગરબે રમે છે. બધા ગ્રહો-નક્ષત્રો આકાશમાં ગરબે ઘુમે છે અને તારામંડળોનો રાસ રચાય છે. એક અખંડ રાસ બ્રહ્માંડમાં નિરંતર ખેલાઇ રહ્યો છે!
આપણે ત્યાં રાસ, રાસડો, ગરબો, ગરબી, માંડવની, દીવડી, હુડો, ટીટોડો, ચલતી જેવા અનેક પ્રકારો ગરબાના નર્તનમાં ખેલાય રહ્યાં છે.
ગુજરાત અને ગરબો તો એકબીજાના પર્યાય છે. ગુજરાતની કોઇ બહેન-દીકરી એવી નહીં હોય કે જેને ગરબે રમતા ન આવડતું હોય ! આપણી લઢણમાં ગરબો વણાયેલો છે. ગરબો અને ગરબી બન્ને મજેદાર શબ્દો છે. બ્હેનો રમે તે ગરબો અને ભાઇઓ લે તે ગરબી ! બ્હેનો રમે તે રાસડો અને ભાઇઓ લે તે રાસ ! ગરબો અને ગરબી માતાજીની સ્તુતિ - ગીત - સ્તવન છે. માતાજીની આરાધના અને માં ના ગુણલા ગાવાનું આ પર્વ છે. માઁ ચોસઠ જોગણી કે નવદુર્ગા કે બધા જ રૂપોને સમાવિષ્ટ કરતું એકરૂપ માં અંબા જગદમ્બાના ગરબા ગવાય છે. ચાચરના ચોકમાં માઁ અંબીકા ગરબે રમે છે. એના તેના પ્રતિધ્વનિ રૂપે આપણે આપણા ઘર-આંગણે અને ચોકને ચાચરનો ચોક બનાવવા માઁના ગરબા લઇએ છીએ. માઁના ગરબા બેઠા-બેઠા પણ ગાવામાં આવે છે. વાજીંત્રોની મદદથી તાલીઓના તાલે ઝીલીને બેઠા ગરબા ગાવામાં આવે છે. મંદિરમાં, ઘરમાં, પ્રસંગોપાત આ ગરબાઓ ગવાય છે. ખાસ કરીને માઁ રાંદલ-ભવાનીને જ્યારે ઘરે તેડવામાં આવે છે ત્યારે બેઠા ગરબાઓ ગવાય છે અને ત્યારે માંની ગોઇણીઓ ગરબા રમે છે તેને ઘોડો ખુંધ્યો કહેવાય છે ! આ ઉપરાંત શ્રીકૃષ્ણ અને રાસવિહારી છે. વ્રજમાં રાસલીલા કરી તે એક એક ગોપી અને એક એક કાન વચ્ચે રાધાકૃષ્ણ આ રાસ ભક્ત અને ભગવાનની વચ્ચે રમાય છે. સાક્ષાતકારી સંતો કહે છે કે વૃંદાવનમાં નિત્ય રાસ-લીલા ચાલે છે જે અનુભૂત સત્ય છે.
શ્રીકૃષ્ણના ગુણગાન ગાતા ગીતોમાં રમાય અને રચાય તે રાસ છે. રાસ ભાઇઓ લે છે અને બહેનો લે તે રાસડો. તારી બાંકી રે પાઘલડીનું ફુમકુ રે... મને ગમતું રે આતો કહું છું રે કાનુડા તને અમથું... કે ઓલો કાનો મારી કેડે પડયો રે અલી બઇ ! જેવા કાનુડાની મસ્તી-તોફાનીના ગીતો રાસમાં ગવાય છે.
આપણો પ્રદેશ સૌરાષ્ટ્ર-કચ્છ સંસ્કૃતિની દ્રષ્ટિએ ખૂબ જ સમૃધ્ધ અને ભાતીગળ છે. આપણે ત્યાં દાંડીયારાસ, ટીપ્પણી, હુડો, ટીટોડો, પંચીયુ, રંગીલો, ઢપતે, ટપ્પો, પોપટીયું, ચલતી, મણિયારો જેવા ઘણા પ્રકારો પ્રચલિત છે. દાંડીયારાસ એ કૃષ્ણની રાસ-લીલાની પ્રતિકૃતિ છે. કુંજનવનમાં કૃષ્ણરાસ રમે છે. વાંસના જંગલોમાંથી વાંસના ટુકડોમાંથી વાંસળી બનાવી શ્રીકૃષ્ણ વગાડે અને વાંસના અન્ય ટુકડાઓમાંથી દાંડીયા બને અને વચ્ચે રાધાકૃષ્ણ આરાધ્ય દેવ અને ફરતે ગોપ-ગોપીઓ આરાધકો અને તે આરાધ્ય દેવને ફરતે રાસ રમે તે આરાધના-કૃષ્ણ ભક્તિનો કેવો નીરાળો પ્રકાર !
આપણી સંસ્કૃતિમાં સર્વત્ર ઓચ્છવ ઉલ્લાસ છે. ઘરકામ, રોજીંદા જીવન અને મહેનત અને પરસેવાના કામને પણ ઉત્સવ અને આનંદ સાથે જોડી દઇને તેમાંથી થાક, કંટાળો કે નૈરાશ્યને બદલે ઉત્સાહ, ઉમંગ અને રસ નીપજે છે. નાવીન્ય રહે છે.
જેમકે ટીપ્પણીરાસ... ઘરની છો એટલે કે ફર્સને સમથળ કરવા માટે ધાબાને એકસરખુ બનાવવા ટીપવું પડે તે કાર્ય ખૂબ મહેનત માંગી લે તેવું છે. તે કાર્ય સાથે રાસ ને જોડી દીધો એટલે કામનું કામ, હરિનું નામ અને આનંદ-ઉલ્લાસ. આમ ટીપ્પણી રાસ રમતા રમતા ક્યારે ફ્લોરીંગ થઇ જાય તે ખબર જ ન રહે આ કમાલ છે આપણી સંસ્કૃતિની પરંપરાની! પાણી ભરવા જવાના ગીતો, બેડા રાસ કે ગાગર મટકી રાસ, દાણા વેંચવા જવાના રાસ, સાસુની ફરિયાદ અને પીયરની યાદનો રાસડો કેવી અદ્ભૂત વાત છે. તરણેતરના મેળામાં પરંપરાગત રીતે ભરવાડ, રબારી, આયર જ્ઞાતિના લોકો તેમના લોઠકા હાથો સામસામે મારીને અને પગ ઉલાળીને હુડો રમે તે દ્રશ્ય અત્યંત મોહક હોય છે!
પહેરવેશ પણ જુઓ રંગબેરંગી પાઘડી, મોજડી, કેડીયું, ચોઇણી કે ધોતીમાં સજ્જ ગોવળિયા અને ઘેરદાર ઘાઘરો, પોલકુ અને ભરત ભરેલી ને આભલા ટાંકેલી ઓઢણી ઓઢેલી ગીપી કે ગરબે ધુમતી બાળાના ચહેરામાંથી નીતરતી નમણાંશ અને કપાળે ચાંદાની જેમ શોભતો ચાંદલો આવા દ્રશ્યો તો નવરાત્રીમાં રોજીંદા હોય છે. અઠંગોરાસ દોરીથી ગુંથવામાં આવે અને ગુથણી કરતા કરતાં રાસ લેવામાં આવે છે તે દ્રશ્ય જોવું એક લ્હાવો છે.
પોરબંદરની મેર જ્ઞાતિના લોકો જે પરંપરાગત રાસ રમે છે તે મણિયારો કહેવામાં આવે છે. લચકતી લયમાં લેવાતો ભાઇઓનો મણિયારો રાસ વિશ્ર્વપ્રસિધ્ધ છે તેમાં તો રાસ લેતા લેતા ભાઇઓ રીતસર હવામાં ઉડતા હોય તેટલા ઉંચે ઉછળીને રમતા હોય છે. તેમની સ્ટેમીના અને એનર્જી લેવલ ખૂબ જ હાઇ હોય છે.
આ નવરાત્રીના નવલા દિવસોમાં ગાઇ-વગાડીને-રમીને ખેલીને જનમાનસ પ્રફુલ્લીત બની જતું હોય છે. આસો નવરાત્રીને અશ્ર્વિન નવરાત્રી પણ કહેવાય છે. નવરાત્રીનો અવસર અનોખો એટલા માટે છે કારણ કે દરેક વર્ગના દરેક ઉંમરના લોકોનો ઉત્સવ છે. સાધકો માતાજીની ઉપાસના કરે છે, નામસ્મરણ અને નામજપની આલેખ જગાડી મંત્રોચ્ચારથી માઁને આરાધે છે. અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમીના દિવસે હવન-હોમ, ચંડીપાઠ અને શક્રાધ્ય સ્તૃતિ દ્વારા માની ભક્તિ કરવામાં આવે છે. આસુરી શક્તિ સામે માં જગદંબાના વિજયનો મહિમાં, માની શક્તિ અને શૌર્યનું ગાન કરી માઁ ને પ્રસન્ન કરવામાં આવે છે. આમ નવ દિવસ સુધી ગરબા-રાસ, દિવસ-રાત, ઉત્સવ-ઉમંગ થકી માનવ મહેરામણ હિલ્લોળે ચડે છે અને રાત્રીઓ પણ ઝળાહળ થઇ ઉઠે છે. રાત પડેને દિવસ ઉગે તેમ લોકો ગરબા રમવા નીકળી પડે અને આમ નવ દિવસની આરાધના પછી વિજયદશમી આવે છે. ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો તે વિજયોત્સવ આમ ગરબાત્સવ પછી વિજયોત્સવ અને ફરી શરદપુનમનો રાસોત્સવ આમ આ દિવસો ઉત્સવઘેલાં બની રહે છે.
ગોંડલના આધ્યાત્મિ વિભૂતિ પૂજય નાથાભાઇ જોષી અમૃતમ્ ખંડ-3માં માને પ્રાર્થે છે.
આંતર-બ્રહ્મ સમૃદ્ધિની જનની!
તારો જયજયકાર!
તારાં રતૂમડાં નૂપુર શોભિત ચરણોમાં
ભાવપૂર્વક વંદન!
નવરાત્રીના મંગલ પર્વે
પ્રકૃતિના નવપરિધાન
નવ-નવ રસ, નવ-નવ ઉલ્લાસ
નવ-નવ દર્શનની અલોૈકિકતા!
જીવનને આવરણોથી મુક્ત સ્ફટિકસમ કર!
અસ્તિત્વનું યથાર્થ દર્શન તોજ થશે!
તે જ પ્રાર્થના જગતજનની જગદંબા જગતધાત્રીના ચરણાોમાં કરીને
પાવન બનીએ.