‘તારી તો... રોજ પીછો કરે છે મારો! દોટ મૂકી મેં; પડછાયો હાંફી ગયો !’October 08, 2018

‘શું શુકન શું અપશુકન કોને ખબર ?
મારો પડછાયો મને સામો મળે !’
- ભગવતીકુમાર શર્મા
પડછાયો આપણો સાથી છે. ગમે તેવી જગ્યાએ જવાનું થાય તો પણ પડછાયો સાથે ને સાથે જ રહે છે. આપણે કોઇ એવી જગ્યાએ જવાનું બને તો પણ પડછાયાને એવુ નથી કહી શકાતુ કે, તું બહાર અહીં ઉભો રહે, હું હમણાં જ આવું છું ! હા શરત એ કે પ્રકાશ હોવો જોઇએ. જીવનમાં આપણો સૂર્ય જ્યારે તપતો હોય ત્યારે પડછાયો સાથે જ હોય છે. ઇવન રાતના કૃત્રિમ લાઇટનો અંજવાસ હોય કે ચંદ્રપ્રકાશ પડછાયો સાથે જ રહે છે હા તેના કદમાં જરૂર ફેરફાર થતો રહેતો હોય છે.
જો કે એક સરખો સમય ક્યારેય રહેતો નથી તે પણ એક હકીકત છે. ક્યારેક અવળા નાંખો તો પણ પાસા સવળા પડે છે. તો ક્યારેક સવળા નાંખવા છતાં પાસા ઉંધા પડતા હોય છે ! પછી ભલે ગમે તેવા શુકન પકાવી પાસા કેમ ન ફેંક્યા હોય ? ક્યારેક કાયમ સાથે રહેનાર આપણો પડછાયો આપણને સામે મળે તો ? ચોંકી જવાયુ ને ? પણ એ જ તો જિંદગી છે ને !
‘વાતમાં ને વાતમાં ભૂલી ગયો અસ્તિત્વને,
મેં ખરેખર મારા પડછાયાને પડકાર્યો હતો !’
- દિનકર ‘પથિક’
એકાગ્રતા વગર કોઇ કામ સિધ્ધ કરવું શક્ય નથી. કદાચ ઉતાવળે કામ કરવું પડે તો ધાર્યુ પરિણામ ન પણ મળે ! પણ હા ધાર્યા પરિણામ માટે તમારે લક્ષ્ય તરફ મીટ માંડી જગત ભૂલી એટલા તન્મય બની જવું પડે કે રાત દિવસ, ટાઢ તડકો કે ઇવન ખૂદના અસ્તિત્ને પણ ભૂલી જવું પડે ! અને આવું થાય તો જ સફળતા કે સિધ્ધી પામી શકાતી હોય છે.
કવિ દિનકર ‘પથિક’ તેના શેરમાં આવી જ કંઇક વાત કરે છે કે પોતાનું અસ્તિત્વ જ જ્યાં ભૂલાઇ જાય તો વાત જ ક્યાં રહી ? અને પોતાના પડછાયાને પરાયો ગણી પડકાર ફેંકાઇ જાય તેવું પણ બની શકે છે, કવિની કલ્પના કમાલ સર્જી ગઇ છે.
‘પ્રિતનું પડછાયા જેવું ‘શેખર’,
જ્યાં જાવ ત્યાં સાથ સાથ,’
- ‘શેખર’
જગતમાં હરકોઇ પ્રેમનું ભૂખ્યું છે. બાળક હોય કે વૃધ્ધ ! જે કામ પ્રેમથી થાય તે કદાચ તમે તલવાર કે તોપની ધમકી આપીને નહિં જ કરાવી શકો. એ જ તો પ્રેમની તાકાત છે. અહિં પ્રિતની સરખામણી પડછાયા સાથે થઇ છે. જેમ પડછાયો કદી માણસનો સાથ નથી છોડતો કે માણસ ગમે તેટલો દોડે ભાગે તો પણ પડછાયો તેનો પીછો નથી છોડતો.
તેવું જ પ્રેમની બાબતે પણ કહી શકાય. જેના માટે હૃદય ધડકતું હોય, જેને દિલમાં એક વખત સ્વપ્ન આપ્યું હોય, તેના માટે અસિમ લાગણી રાખી હોય તે પ્રેમ એક વખત થયા પછી પડછાયાની જેમ હદમાં વિંટળાઇને કાયમ વળગીને જ રહે છે. હા સવાર, બપોર, સાંજ કે રાત પડે ત્યારે પડછાયો નાનો મોટો થાય, તેમ લાગણીમાં પણ સમય સંજોગો પ્રમાણે વધઘટ જરૂર જોવા મળે ! પણ હા પ્રેમ લાગણી હૃદય કે મન સાથે એવી તો જકડાયેલી હોય છે કે તેને જગતની કોઇ તાકાત ત્યાંથી ભૂંસી શકતી નથી.
(શિર્ષક પંક્તિ : ખૂદ લેખક)