ટ્રમ્પને ઝેરી પત્ર લખનાર પૂર્વ નેવી અધિકારી ઝડપાયોOctober 08, 2018

 રશિયાના પ્રમુખ પુતિન અને બ્રિટનની રાણીને પણ ઝેરી પત્રો લખ્યા હોવાની કબૂલાત કરી!
વોશિંગ્ટન: અમેરિકામાં એક નેવીના પૂર્વ અધિકારી પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજા નેતાઓને એક ઝેરી પત્ર મોકલવાનો આક્ષેપ થતાં અમેરિકી ગુપ્તચર એન્જસી એફબીઆઈએ તપાસ શરૃ કરી છે. આ પત્રમાં કાસ્ટરના બીજ હતા જેમાંથી રાઇસિન નામનું ઝેર નીકળે છે. એફબીઆઈના તપાસ અધિકારીઓએ યુટા જિલ્લાની એક કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજમાં જણાવ્યું કે 39 વર્ષીય વિલિયમ ક્લાઈડે તપાસનીશ અધિકારીઓને એવું જણાવ્યું કે તે રાષ્ટ્રપતિને એક સંદેશ આપવા માટે એક પત્ર મોકલવા માગતો હતો. ફરિયાદ અનુસાર કવર પર તેના સરનામાને આધારે એજન્સીએ તપાસ શરૃ કરીને તેની અટકાયત કરી હતી. એફબીઆઈના અધિકારીઓએ બુધવારે સોલ્ટ લેક સિટીના ઉત્તરમાં આવેલા એક નાના શહેર લોગાનમાંથી તેને ઝડપી પાડયો હતો. એલને અધિકારીઓએ કહ્યું કે મેં એવું વિચારીને કાસ્ટરના બીજ ખરીદ્યા હતા કે જો તૃતીય વિશ્વયુદ્ધ થાય તો તે તેના દેશની રક્ષા કરી શકે. નેવીના રેકોર્ડ અનુસાર એલન 1998થી 2002સુધી નેવીમાં નોકરી કરતો હતો. દસ્તાવજોમાં કહેવામાં આવ્યું કે પત્રોમાં રાઇસીન ઝેર હોવાની પુષ્ટિ થઈ છે અને તેમાં કંઈક લખેલું પણ હતું. કોર્ટમાં શુક્રવારે સુનાવણી દરમિયાન એલન રડી પડયો હતો અને કહ્યું કે તેની પત્નીને કરોડરજ્જુની તકલીફ છે. એફબીઆઈએ કહ્યું કે તમામ પત્રો રાઇસિન ઝેર માટે પોઝિટિવ આવ્યાં હતા. એલને જણાવ્યું કે તેણે મહારાણી એલિઝાબેથ દ્વિતીય, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વાયુસેનાના સચિવને પણ આવો જ પત્ર મોકલ્યો હતો.