ખારાઘોડામાં પરપ્રાંતિય મજુરોની ઓરડી પર પથ્થરમારોOctober 08, 2018

 સ્થાનિક લોકોના ટોળાએ બેફામ પથ્થરો મારી ઓરડીના પતરા તોડી નાખ્યા
સુરેન્દ્રનગર તા.8
તાજેતરમાં હિંમતનગરનાં ઢુંઢર ગામે 14 માસની બાળા ઉપર કદવાએ આચરેલ દુષ્કર્મના બનાવથી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને પરપ્રાંતિયોને કાઢવા માટે ઠાકોર સમાજના લોકો એકઠા થઈ આ લોકોને રાજ્યમાંથી જતા રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા 3 દિવસથી પાટડીના ખારાધોડામાં આવેલ મીઠાની ફેકટરીમાં કામ કરતાં પરપ્રાંતીય મજુરોને કાઢવા માટે ઠાકોર સમાજના લોકોના ટોળાં ફેકટરી પર જતાં હતાં અને એક-બે દિવસમાં આ મજુરોને કાઢી મુકવા જણાવ્યું હતું.
આ સમયે પોલીસ, ઠાકોર સમાજના આગેવાનો અને ફેકટરી માલીક વચ્ચે વાટાધાટો ચાલુ હતી અને કામ કરતાં મજુરો બંગાળી છે છતાં પાટડીના લોકોને તકલીફ હોય તો થોડા દિવસોમાં ધીમે ધીમે તેઓને કાઢી નાંખશે જેથી ફેકટરીનું કામકાજ બંધ ન થઈ જાય તેમ જણાવ્યું હતું. તેમ છતાંય હાજર ટોળાંએ વાત માની નહોતી અને ફેકટરીમાં પથ્થરમારો કર્યો હતો. આથી ખારાધોડામાં આવેલ પરફેક્ટ કેમ્પ ફુડ ઈન્ડસ્ટ્રીઝ કંપની બહાર ગેરકાયદેસર મંડળી રચી હાથમાં પથ્થરો લઈ છુટ્ટા ધા કારખાના પર કરી બહારની ભાગે આવેલ મજુરોની ઓરડીના પતરા તોડી નાંખ્યાં હતાં.
જે અંગે ફેકટરીના માલીક રામપાલ ભુરામલ પારીખ રહે.અમદાવાદવાળાએ પાટડી પોલીસ મથકે આઠ જેટલાં શખ્સો અરવિંદભાઈ મંગાભાઈ, ખોડાભાઈ લાલાભાઈ, સંજયભાઈ માધાભાઈ, લાલાભાઈ કાંન્તીભાઈ, સુરાભાઈ ગણેશભાઈ, મેલાભાઈ અંબારામભાઈ, નરશીભાઈ મંગાભાઈ, લાલાભાઈ ઠાકોર સહિત અંદાજે 100 જેટલાં માણસોના ટોળાં વિરૃધ્ધ ગુન્હો નોંધાવ્યો
હતો જેની વધુ તપાસ પાટડી
પોલીસ ચલાવી રહી છે.