શેરબજારમાં ઊથલપાથલ, રૂપિયો 12 પૈસા તૂટ્યો, પેટ્રોલ અને ડીઝલમાં અવિરત તેજીOctober 08, 2018

 ખુલતામાં સેન્સેક્સ
400 પોઈન્ટથી વધુની વધઘટ: પેટ્રોલમાં 20 અને ડીઝલના ભાવમાં
30 પૈસા વધ્યા
રાજકોટ તા.8
ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બર બાદ ઓકટોબર મહિનામાં પણ ધોવાણ ચાલી રહ્યુ છે અને ગત અઠવાડીયે સેન્સેકસમાં બે હજાર પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયા બાદ ચાલુ અઠવાડીયાની સીરીઝનો પ્રારંભ પણ મંદીથી થયો હોય તેમ આજે સવારે શેરબજાર ખુલતા જ સેન્સકસ 340 પોઈન્ટ અને નિફટી 109 પોઈન્ટ તુટયા હતા જો કે પાછળથી જોરદાર રિકવરી આવી હતી. પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ ફરી વખત માર્કેટમાં મંદી હાવી થઇ હતી અને સેન્સેક્સ 355 પોઇન્ટ સુધી તૂટતાં આખો દિવસ અફરાતફરી જેવો માહોલ રહ્યો હતો. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની નબળાઈ પણ ચાલુ રહી છે અને આજે ડોલર સામે રૂપિયો વધુ 12 પૈસા નબળો પડી 73.88 ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ કેન્દ્ર અને રાજય સરકારે રાહત આપ્યા બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ રહ્યો છે અને પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો થતા નવો ભાવ 78.78 તેમજ ડીઝલનાં ભાવમાં 30 પૈસા વધતા નવો ભાવ 76.92 ના સ્તરે પહોંચ્યો છે.
કેન્દ્ર અને રાજય સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં રૂા.4.75 જેવો ભાવ ઘટાડો જાહેર કર્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં એક રૂપિયા જેવો વધારો થઈ જતા સરકારની રાહત ધોવાઈ ગઈ છે.
આજે સવારે ખુલતામાં સેન્સેકસ 340 પોઈન્ટ તુટી 34067 ના સ્તરે અને નિફટી 109 પોઈન્ટ તુટી 10223 ના સ્તરે ખુલ્યા હતા જો કે નિફટીએ 10300 નો મહત્વનો સપોર્ટ તોડયા બાદ શેરબજારમાં રિકવરી આવી હતી અને પ્રથમ દોઢ કલાકમાં જ સેન્સેકસ તળીયેથી 365 પોઈન્ટ તેમજ નિફટી 120 પોઈન્ટ ઉંચકાઈ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરવા લાગ્યા હતાં.
શેરબજારની ઉથલપાથલ વચ્ચે આજે રૂપિયો ડોલર સામે વધુ 12 પૈસા નબળો પડી 73.88 ના સ્તરે ખુલ્યો હતો જયારે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં પણ અવિરત વધારો ચાલુ રહેતા આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો તેમજ ડિઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો હતો.