ગરબે ગુજરાત: પરંપરા અને પાશ્ર્ચાત્યની બે ધારી તલવારOctober 06, 2018


ગરવો ગરાસિયો કે ગરવો ગુજરાતી જ હોય એવું નથી. ગુજરાતમાં તો ગરબો પણ ગરવો !! નવરાત્રિ તેનું પ્લેટફોર્મ. પૃથ્વી એક મંચ છે અને આપણે તેનાં કિરદાર એવી ફિલોસોફીનો સાક્ષાત્કાર એટલે નવરાત્રીનાં રાસગરબા. વિશ્ર્વના કોઇ ખુણે આટલું મોટુ, આટલું મોકળાશભર્યુ અને આટલું (નવ-રાત્રિ) લાંબુ સાશિયલ ગેધરિંગ અગર કયાંય થતું હોય તો ભારતમાં અને તે પણ વિશેષ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. નવધા ભક્તિની શક્તિ પણ આ રીતે પ્રગટે અને નારી શક્તિની ઝાંખી પણ જોવા મળે. કાળા ભમ્મર આભ નીચે લસરતી (વિંઝાતી) શમશેરો (તલવારો)ની જેમ યુવાનીના તાલબધ્ધ રાસ માણવા નવરાત્રીમાં ઉજાગરા નડતા નથી, ઊલ્ટાના ફળે છે.
આ પર્વાધિરાજમાં આખા આધુનિક મહાનગરને રજવાડી ગામડામાં તબદીલ થવાની અને ફેશનેબલ ગર્લ્સ-બોયને ‘રાધા-રમણ’ થવાની ઝંખના જાગે તે કંઇ જેવી તેવી હલચલ નથી. આ મહાપર્વ દિલો-દિમાગને રંગરોગાન કરી મેલે તેવું છે. એમાંય રાજકોટ જેવું રંગીલું શહેર મળે પછી તો પૂછવું જ શું ?
કેમકે ગરબો એ ગુજરાતીઓની ખાસ કરીને કાઠીયાવાડીઓની ઓળખ છે. જો કે ગરબાએ પણ છેલ્લા 1પ0 થી વધુ વર્ષના ઇતિહાસમાં ઘણા ચડાવ ઉતાર જોયા છે. ઘરના આંગણામાંથી આ ગરબો આજે ચોક અને શેરીથી પણ આગળ વધીને પાર્ટી પ્લોટસના વિરાટ મંચ સુધી પહોચ્યો છે. એ જુદી વાત છે કે તેમાં માતાજીની આરાધના ઓછી છે. તાલબધ્ધ રાસની રમઝટ વધુ જોવા મળે છે. પાશ્ર્ચાત્ય ગીતો, પાશ્ર્ચાત્ય કપડા, ચપ્પલ કે શુઝ અને પાશ્ર્ચાત્ય નૃત્યો ગરબામાં ધરાર ઘુસી ગયા છે. વ્યાપારીકરણે દરેક બાબતમાં સ્થાન લઇ લીધું છે.
મંડપ બાંધવાથી લઇને સ્ટેજ, મ્યુઝીક સીસ્ટમ, સિંગર, પાર્ટીપ્લોટ અને ખેલૈયાઓ પણ નવા-નવા સ્ટેપ્સ, છેલ્લામાં છેલ્લી ફેશનના કપડામાં આધુનિક સંગીત પર ગરબા લેતા જોવા મળે છે. અમુક વખતે તો અર્થવિહીન અને માતાજીની ભકિતને કયાંય લાગે વળગે નહીં તેવા શબ્દોવાળા ગીતો પર નવયુવાનો ડાન્સ કરતા કે ચાન્સ મારતા જોવા મળે છે ત્યારે વિચાર આવે કે ખરેખર ગરબાની શરૂઆત કેવી રીતે અને કયાંથી થઇ હતી અને આજે આ ગરબો કયાં પહોચી ગયો !!
જો કે રણમાં મીઠી વીરડી સમાન કેટલીક વાતો પણ છે. જેમકે પાર્ટી પ્લોટના ઘોંઘાટ વચ્ચે પણ આજે કેટલીયે જગ્યાએ પરંપરાગત ગરબા લેવાઇ રહ્યા છે. નાની નાની બાળાઓના નિર્દોષ રાસ આપણા મનને પણ આનંદિત કરી જાય છે. રીમીકસના જમાનામાં કંઇ કેટલાય એવા જુના ગરબાઓને પણ આધુનિક ઢાળવામાં આવ્યા છે જેના કારણે નવી પેઢી એ પ્રાચીન ગરબાથી અવગત થાય છે. હિંદી ફિલ્મો માટે ગરબો હંમેશા સકસેસ કી જેવો રહ્યો છે. સરસ્વતીચંદ્રનું ગીત મે તો ભુલ ચલી બાબુલ કા દેશ અમિતાભની ફિલ્મ સુહાગનું હે સબસે બડા તેરા નામ શેરોવાલી, રામલીલા ફિલ્મનું ગીત મોર બની થનગાટ કરે, આવા તો અનેક ગીતો છે કે જેના કારણે ફિલ્મો સફળ રહી હતી. ગરબો ગુજરાતની બહાર પણ લોકપ્રિય બન્યો છે. આજે નોન ગુજરાતી લોકો પણ ગરબાના સ્ટેપ શીખીને ગરબાનો આનંદ લેતા જોવા મળે છે. આવા ગુજરાતી સંસ્કૃતિની ઓળખ અને અસ્મિતારૂપ ગરબાનો આરંભ અને આધુનિક સ્વરૂપ જોઇએ.