પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગOctober 04, 2018

પોરબંદર,તા.4
પોરબંદરમાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડયો હોવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે તાત્કાલીક જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી હતી અને ધરણાનું આયોજન કર્યુ હતું અને કલેકટરને આવેદન પાઠવાયું હતું.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા, રામદેવભાઇ મોઢવાડિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલભાઇ ઠકરાર વગેરેએ પાઠવેલ આવેદનમાં એવું જણાવાયું હતું કે, પોરબંદર જિલ્લામાં એક જ વરસાદ પડેલ છે છતાં હજી સુધી દુષ્કાળ જાહેર કરવાની કે આનાવારી નકકી કરવા માટેની કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ખેડૂતોને તાત્કાલીક પાક વીમાની રકમના રપ ટકા રકમનું ચુકવણું ગુજરાત સરકારના ખેતીવાડી અને સહકાર વિભાગના જી.આર. ની ઓપરેશનલ ગાઇડલાઇન મુજબ જયારે વાવણી કર્યા પછી વાવેતર, વરસાદ, કીટાણુ કે અન્ય કારણોસર નિષ્ફળ જાય તો વમીા કંપનીએ વીમાની કુલ રકમના રપ ટકા રકમ તાત્કાલીક ચુકવવાની થાય છે.
રાજય સરકારે વીમા કંપનીઓને કમાવી દેવાના હેતુથી વરસાદનો માપણી માટેની વૈજ્ઞાનિક ઢબની વ્યવસ્થાને ઓપરેટીવ સ્થિતિમાં રાખી ન હતી અને તલાટીમંત્રીઓના વરસાદના ઉંચા રિપોર્ટ જે અનઅધિકૃત છે તેને ધ્યાનમાં લેવામાં આવ્યા છે એક પણ વેધરસ્ટેશન યોગ્ય રીતે ચલાતા નથી. પીએમએફબીવાયની માર્ગદર્શિકા મુજબની ગ્રામ સમિતિઓ, તાલુકા સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હોય એવું ધ્યાનમાં નથી આવ્યું. પાકની પ્રગતીનો અઠવાડીક, પખવાડીક, માસિક અહેવાલ જિલ્લા લેવલની મોનીટરીંગ કમીટીને નિયમીત મોકલવાનો થતો હોય છે જે મોકલવામાં આવતો નથી. વીમા કંપનીઓની રજીસ્ટર્ડ ઓફીસ દર તાલુકામાં રાખવાની ફરજીયાત છે અને તેની જાહેરાત સરકારના માન્ય વર્તમાનપત્રોમાં આપવાની થહોય છે અને તેને માટેની હેલ્પલાઇન પણ ચાલુ કરવાની હોય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના લાભાલાભ સહિતની તમામ વિગતોની બહોળી પ્રસિધ્ધી કરવાની હોય છે. ઉપરમાંથી કોઇ પ્રક્રિયા વીમા કંપનીએ બદ-ઇરાદાથી કરેલ નથી. ક્રોપ કટીંગના વખતનો 1 વીડીયો અને ક્રોપ-કટીંગ પહેલાના ર વીડીયો વેબસાઇટ ઉપર વીમા કંપનીએ ઉપલબ્ધ કરાવવાના હોય છે. જે કરવામાં આવેલ નથી. અમારી માંગણી છે કે, ભાજપ સમર્પિત મોટા ઉદ્યોગગૃહોની વીમા કંપનીઓને તાત્કાલીક ખેડૂતોને ચુકવવા માટે હુકમો કરવામાં આવે. પોરબંદર જિલ્લાને તાત્કાલીક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના હુકમો કરવામાં આવે, પોરબંદર જિલ્લામાં એક જ વરસાદ પડેલ છે. વરસાદની તીવ્રતા વધારે હતી જેથી જે તે વખતે નુકશાન પણ ખેતીને થયેલ હતું અને તેના પછી એક પણ વરસાદ પડેલ નથી. અમારી માંગ છે, અછત મેન્યુલ 1976 મુજબ તાત્કાલીક ધોરણે દુષ્કાળ જોહર કરવામાં આવે, હજુ સુધી દુષ્કાળ જાહેર કરવાની કે આનાવારી નકકી કરવા માટેની કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ હોય એવું અમારા ધ્યાનમાં નથી.
તો તાત્કાલીક પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને પાક વીમો ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવે અન્યથા અમારે જલદ આંદોલનનો આશરો લેવો પડશે તેવી પણ ચેતવણી આપી છે.