દિવ્ય વચન સિધ્ધિથી અલંકૃત પરમ પૂજ્ય આ.ભ. શ્રી સિધ્ધિસૂરીશ્ર્વરજી મહારાજ

જસ નામે સિદ્ધિ, કામે સિદ્ધિ, સિદ્ધિ કે ભંડાર હૈ,
જસ દરિશને સિદ્ધિ હુએ, સિદ્ધિસૂરીશ્ર્વર નામ હૈ,
જસ વચને સિદ્ધિ, સ્મરણે સિદ્ધિ, શરણે પાપ નિકંદના,
સિદ્ધિદાયક સિદ્ધિ ગુરૂ કો
ભાવ સે કરું વંદના.
સંવત 1910... આજથી 164 વર્ષ પહેલા ક્ષેત્રપાળ (ખેતરપાળ)ની પોળ માણેકચોક અમદાવાદ શહેરમાં આ મહાપુરૂષનો જન્મ થયો. 23 વર્ષની ભરયૌવન વયે સંયમ જીવન ધારણ કર્યુ.. આજીવન તપધર્મ : વૈયાવચ્ય : અગોચરસાધના : અલૌકિક દિવ્ય શક્તિ સિધ્ધિ : અને ઉત્કૃષ્ઠ યોગસિધ્ધિ... પળેપળ શાસનની સંભાળ : દિવ્ય વચન સિધ્ધિ થી અલંકૃત : સંઘસ્થવિરના વિશિષ્ટ દરજ્જાથી શોભાયમાન જૈન શાસનના એક માત્ર આચાર્ય શ્રી એટલે પ.પૂ. આ.ભ. શ્રી સિધ્ધિસૂરીશ્ર્વરજી મહારાજ... આજીવન પાદવિહારી... જીવનના 72માં વર્ષે વર્ષીતપ પ્રારંભ, તે 105 વર્ષે કાળધર્મ (33 વર્ષ) સુધી અખંડ...
80 વર્ષની ઉંમરે પાલીતાણાની પગપાળા યાત્રા... આવા પરમ ઉપકારી પ્રત્યક્ષ પ્રભાવી દાદાના ચરણે... અનંતશ: વંદના..
વિશિષ્ટતા
પૂ. બાપજી મ.સા.ના હાથે હજ્જારો જિનપ્રતિમાની અંજનશલાકા પ્રતિષ્ઠા થયેલ છે.
અનેક સમુદાયના મહાત્માઓ પોતાના સાધુ - સાધ્વીજીની દીક્ષા પૂ. બાપજી મ.સા.ના. હાથે થાય તેવું ઇચ્છતા, કારણ કે બાપજી પાસે એક વિશિષ્ટ લબ્ધિ હતી.
‘સ્થિર હસ્ત લબ્ધિ’, જેના કારણે એમના હાથ દીક્ષિત થનાર સંયમમાં સ્થિર થઇ જતો. આમ પૂ. બાપજી મ.સા. એ પોતાના જીવનકાળ દરમ્યાન 1000થી વધુ દીક્ષાઓ આપી હતી.પૂજ્યશ્રી વાત્સલ્યનો મહાસાગર હતા. પ્રાય: ગુસ્સે થતા જ નહીં અને કદાચ ગુસ્સો આવે ત્યારે પણ શબ્દો સરી પડતાં હતા, તેરી
ભલી થાય.....
પૂ. બાપજી મ.સા. સૂરીમંત્રનો જાપ કરવા બેસતા ત્યારે માઁ ચક્રેશ્ર્વરી સાક્ષાત સૂરીમંત્રના પટ ઉપર બીરાજતા... પૂ. બાપજી મ.સા.
એક વિશિષ્ટ મંત્રનો દરરોજ 1 લાખનો જાપ કરતા.
પૂ. બાપજી મ.સા. ‘વચનસિદ્ધિ’ મહાપુરૂષ હતા. તેથી તેઓ જે બોલતા તે અવશ્ય થતું જ.
પૂ. બાપજી મ.સા.એ પોતાના જીવનકાળ દરમ્યાન 100થી વધુ મહાત્માઓને ગણિ-પન્યાસ-આચાર્યપદથી વિભૂષિત કર્યા. આવી અનેક વિશિષતાઓ પૂજ્યશ્રીમાં હતી. એ વિશેષતામાં પણ વિશેષતા એ હતી કે પોતાની સિદ્ધિઓથી તેઓશ્રી નિ:સ્પૃહ હતા.
85 વર્ષની ઉંમરે શત્રુંજયગિરિરાજની યાત્રાની ભાવના થતા સ્વયં ચાલીને પાલીતાણા તથા ગિરનારની યાત્રા કરી.પૂ. બાપજી મ.સા.ની. દીક્ષા બાદ તેમના સંસારી પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી. તેમના પત્નીનું નામ સાધ્વીજી ચંદનશ્રીજી રાખવામાં આવ્યું.
આજે તેમનો 300થી વધુ શિષ્યોનો પરિવાર છે. ભક્તિયોગના ઉદ્ગાતા
પૂ. આનંદધનજી મહારાજે
સદગુરૂને અનુભવની દુનિયામાં આત્માનુભૂતિના આનંદ લોકમાં વિહરતા કહ્યા છે. સદગુરૂ વર્ણનાનું જીવન સ્વરૂપ એટલે પૂજ્યપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવંત દાદા ગુરૂદેવ, શ્રીમદ્ વિજય સિદ્ધિ સૂરીશ્ર્વરજી મહારાજ સ્વગુણોની દુનિયામાં, સ્વરૂપની દુનિયામાં મહાલતા આ મહાપુરૂષ! પરમની દુનિયામાં, નિજના વિશ્ર્વમાં ઉતરવાનો આનંદ તેઓશ્રીના અસ્તિત્વમાં ઘુમરાતો હતો. પૂજ્યપાદ દાદા ગુરૂદેવની સાધનાની જે ઉંચાઇ હતી, સ્વાનુભૂતિની સરવાણી મુખ પર પ્રસન્નતાના રૂપમાં સતત રહેતી હતી. પરમ ધીર, પરમ ગંભીર, પરમ
નિ:સ્પૃહ અનાશકત યોગી, શુધ્ધ બ્રહચર્યના ધારક, પરમ શાસન પ્રભાવક વગેરે વગેરે અસંખ્યાતા ગુણોને શબ્દોમાં વર્ણવનું શક્તિ બહારનું છે.
આજે પણ જેમને જીવનમાં તપયોગ - જપયોગ-સંયમયોગની સાધનામાં સ્થિરતા અને ઉંડાણ પામી કરવા હોય તેઓને પૂ. દાદાને વંદન માત્રથી જ દિવ્ય આશિષ પ્રાપ્ત થાય છે, તે નિર્વિવાદ છે.
ખુબ જ ઉલ્લાસપૂર્વક અને ભક્તિભાવ સાથે ભાદરવા વદ
ચૌદસ તથા અમાસનો છઠ્ઠ તપ કરી "ૐ શ્રી સિધ્ધિસુરીશ્ર્વરજી ગુરૂભ્યો નમ: નો મંત્રજાપ કરીને જીવન મંગલ કરશો જી....