સાઉદી કિંગને ટ્રમ્પની ખુલ્લી ધમકી સત્તા પર 2 સપ્તાહ નહીં ટકો!

ઓઈલના ભાવ ઘટાડવા અમેરીકાનું આકરું વલણ
વોશિંગ્ટન તા,4
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્ર દેશ સાઉદી અરેબિયાને મોંઘાં તેલને કાબૂમાં રાખવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સેનાની મદદ વગર કિંગ સલમાન બે અઠવાડિયાં પણ સત્તામાં નહીં ટકી શકે. ટ્રમ્પે કહ્યું કે મારી આ કિંગ સલમાનને સીધી ચેતવણી છે. મંગળવારે મિસિસિપી ખાતેની એક રેલીને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું કે અમે સાઉદી અરેબિયાની રક્ષા કરીએ છીએ. સાઉદી અરેબિયા અમીર છે. મને કિંગ સલમાન પસંદ છે પરંતુ મેં તેમને ચોખ્ખું કહ્યું છે કે કિંગ સલમાન, અમે તમારી રક્ષા કરી રહ્યા છીએ, પરંતુ તમે અમેરિકી સહાય
વગર બે અઠવાડિયાં પણ સત્તામા નહીં રહી શકો. તમારે તમારી સેનાનો ખર્ચ જાતે કાઢવો પડશે. ટ્રમ્પ અને સાઉદી અરેબિયા મિત્ર દેશો છે. ટ્રમ્પે ગત વર્ષે સાઉદી અરેબિયાની પહેલી મુલાકાતે ગયા હતા.
શનિવારે ટ્રમ્પે કિંગ સલમાનન ફોન કરીને ઓઇલ માર્કેટની સ્થિરતા અને ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઘણા ઓપેક દેશોની રક્ષા કરે છે પરંતુ બદલામાં તેને કંઈ મળતું નથી. સાઉદી અરેબિયા મોંઘા ભાવે અમને તેલ વેચે છે. સાઉદી અરેબિયા તેલના ભાવ ઘટાડે તેવી અમારી ઇચ્છા છે.