માઈગ્રેનની પારાવાર પીડાનો સચોટ આયુર્વેદિક ઉપાયOctober 03, 2018

સુમિતભાઈ એમનાં થોડાં વર્ષો જુનાં માઈગ્રેનનાં માથાના દુ:ખાવાથી પરેશાન હતાં. ક્યારેક સારું થાય તો ક્યારેક અચાનક જ માથાનો અસહ્ય દુ:ખાવો થાય. ઘણી દવાઓ કરી પણ સ્થાયી ફાયદો ન થયો. અંતે આયુર્વેદ તરફ વળ્યા. એમને માઈગ્રેનનું કારણ સમજાવ્યું, પરેજી પાળવાની આવશ્યકતા જણાવી અને માઈગ્રેનમાં અસરકારક પંચકર્મ ચિકિત્સા શરૂ કરી. પંચકર્મ, આયુર્વેદિક ઔષધો, પથ્યપાલન અને ધ્યાનયોગ દ્વારા એમનો માઈગ્રેનનો રોગ જડમૂળથી ગયો
આયુર્વેદમાં શિર:શૂલ અને વિવિધ પ્રકારના શિરોરોગનું વિશદ વર્ણન જોવાં મળે છે. જેમાં માઈગ્રેનને મુખ્યત્વે અર્ધાવભેદક સાથે સરખાવવામાં આવે છે. જો માથાનો દુ:ખાવો સૂર્યોદય સમયે વધે, બપોરે તીવ્ર થાય અને સાંજે ઓછો થાય તો તેને સૂર્યાવર્ત રોગ કહેવાય છે. સામાન્ય રીતે વાયુને કારણે દુ:ખાવો થાય છે, આ રોગમાં પણ વાત, પિત્ત અને કફ પ્રધાનતા અનુસાર ચિકિત્સા થાય છે. પણ મુખ્યત્વે પિત્ત અને વાયુની દુષ્ટિ જોવાં મળે છે. માઈગ્રેનનું મૂળ કારણ અજીર્ણ(અપચન) છે.
આધુનિક વિજ્ઞાન અનુસાર મગજ અને ત્યાંની રક્તવાહિનીઓને વધુ પડતું સ્ટિમ્યુલેશન મળવાથી માઈગ્રેન થાય છે. જેમાં માથાની એક બાજુ અતિશય તીવ્ર દુ:ખાવો (વિંજ્ઞિબબશક્ષલ ાફશક્ષ), ઊલટી, પ્રકાશ અસહ્યતા અને ક્યારેક દૃષ્ટિગત લક્ષણો પણ જોવાં મળે છે.
: આયુર્વેદ પ્રમાણે માઈગ્રેનનાં કારણો :
* અજીર્ણ (અપચન)
* પ્રાકૃતિક વેગોને રોકવા
* પ્રદૂષિત ભોજન લેવું
* લાંબા સમય સુધી સૂર્યના તડકામાં રહેવું
* વધુ પડતું તળેલું, તીખું, નમકવાળું, રુક્ષ ભોજન લેવું
* ક્રોધ, ઈર્ષા, દ્વેષ, દુ:ખ, તણાવ
આ બધાં નિદાન સેવનને કારણે પિત્ત દોષ મગજમાં પહોંચતા વાત દોષને અવરુદ્ધ કરે છે જેને કારણે માથાનો દુ:ખાવો થાય છે.
: માઈગ્રેન - આયુર્વેદિક ઉપચાર :
આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સા વિરેચન, શિરોધારા, શિરોલેપ, નસ્ય, શિરોબસ્તિ, અભ્યન્ગ, માત્રા બસ્તિ, કવલ, વગેરે રોગ અને રોગીની અવસ્થા અનુસાર ખૂબ લાભદાયી નીવડે છે. જેઠીમધ, હરડે, સારિવા, આમળાં, બલા, કુમારી, ગોદંતી ભસ્મ, વગેરે ઔષધિઓ અને તેનાં યોગો પણ અસરકારક સાબિત થયા છે.
: માઈગ્રેનમાં ધ્યાનયોગ ચિકિત્સા :
ધ્યાનયોગ શાસ્ત્ર અનુસાર માઈગ્રેન કે માથાનાં દુ:ખાવાનાં મૂળમાં મનુષ્યનાં વિચારો રહેલાં છે, જે મુખ્યત્વે આજ્ઞાચક્ર સાથે સંબંધિત હોય છે. હિમાલય કા સમર્પણ યોગ ગ્રંથ મુજબ, આજ્ઞાચક્રનો સંબંધ આપણી સ્મૃતિઓ સાથે હોય છે, આપણાં જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓ, ખરાબ વ્યક્તિઓ સાથે હોય છે. આ બધાંની સ્મૃતિઓ આ આજ્ઞાચક્રમાં સ્ટોર હોય છે. વધુમાં, આ આજ્ઞાચક્ર અધિક પકડાવાથી સદૈવ માથાનાં દુ:ખાવાની સમસ્યા થાય છે.
આ ચક્ર ગુસ્સો, દુશ્મની, કોઈને ક્ષમા ન કરવાથી અને અહંકારથી પકડાય છે. આવાં રોગીઓએ કપાળ પર બે હાથ રાખીને (દુશ્મન કે જેમનાં પર ગુસ્સો હોય તેને યાદ કર્યા વગર) ઈશ્ર્વરને પ્રાર્થના કરવી કે, હે, ઈશ્ર્વર, હું સૌને હૃદયથી ક્ષમા કરું છું, સૌની ખૂબ આધ્યાત્મિક પ્રગતિ થાય.આમ ધ્યાન પૂર્વે રોજ પ્રાર્થના કરવાથી આજ્ઞાચક્ર શુદ્ધ થાય છે. નિયમિત ધ્યાનથી આ ચક્ર શુદ્ધ રહે છે. પ્રાણાયામ, રિલેકશેસન અને યોગાસન પણ સહાયક નીવડી શકે છે.
: માઈગ્રેનમાં ખોરાકમાં આટલું જરૂર ધ્યાન રાખવું :
* વિરુદ્ધ આહાર - મુખ્યત્વે દૂધ સાથે ખાટું, ખારું, તીખું, તળેલું, ડુંગળી, લસણ, મૂળા, ગોળ ન લેવાં.
* મધુર, તિકત(કડવો), કષાય(તૂરા) રસ પ્રધાન ખોરાક લેવો સારો, અમ્લ(ખાટો), કટુ(તીખો), લવણ(ખારો) રસ પ્રધાન ખોરાક ન લેવો.
* ચીઝ, બટર, ડેરી પ્રોડક્ટ્સ, ચોકલેટ, બેકડ ફૂડ, વાસી ભોજન, પચવામાં ભારે ભોજન, નોનવેજ(માંસાહાર), પેકડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, ડુંગળી, ટમેટાં, શીંગદાણા, તીખું,આથાવાળું ભોજન માઈગ્રેનનું કારણ બની શકે છે.
* ઉપવાસ ન કરવા.
* ભોજનનો સમય નિશ્ર્નિત રાખવો અને ભોજનના સમયે ભોજન અચૂક કરવું.
* વધુ પડતી કડક કોફી કે ચા ન પીવી કે અચાનક બંધ ન કરવી.
* તાજું ભોજન લેવું, રાત્રે 8 વાગ્યા પહેલાં જમી લેવું.
* હળદર, કેશર, એલચીવાળું દૂધ લેવું.
* બપોરે મુખ્યભોજન લેવું, સવારના નાસ્તામાં અને રાત્રિ ભોજનમાં હળવો આહાર લેવો.
: માઈગ્રેનમાં જીવનશૈલીમાં આવશ્યક સૂચન :
* વહેલાં ઊઠવું, વહેલાં સૂવું, રાત્રે ઊંઘવાનો સમય નિશ્ર્ચિત રાખવો.
* રાત્રિના લગભગ સાત કલાક ઓછામાં ઓછી ઊંઘ લેવી.
* રાત્રે સૂતાં પહેલાં ઝ.ટ., મોબાઈલ ન જોવાં કે કમ્પ્યૂટર પર કામ ન કરવું, હળવું સંગીત સાંભળવું.
* નિયમિત આયુર્વેદિક ઔષધીય તેલથી શિરો અભ્યન્ગ (માથામાં માલિશ) કરવું.
* વધુ પડતો અવાજ, પ્રકાશથી દૂર રહેવું.
* સૂર્યપ્રકાશમાં ટોપી પહેરવી/છત્રી પહેરવી, સન ગ્લાસીસ પહેરવાં.
* સવારે ઊઠીને તરત જ 10 મિનિટ તાજી હવા લેવી.
* સ્મોકિંગ, આલ્કોહોલ, તમાકુ વગેરે વ્યસન બંધ કરવાં.
* વારંવાર દુ:ખાવો તરત જ બંધ કરવાની દવાઓ ન લેવી.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)