IL&FSના ડિરેક્ટરો ફરાર થવાની દહેશત: ‘લૂકઆઉટ’ નોટિસ જાહેર

  • IL&FSના ડિરેક્ટરો ફરાર થવાની દહેશત: ‘લૂકઆઉટ’ નોટિસ જાહેર

 કંપનીના બોગસ વહીવટ માટે જવાબદાર ડિરેકટરો રાજીનામાં આપવા લાગ્યા હતા: વિદેશ ભાગવાની ફીરાકમાં
મુંબઇ તા.3
કરોડોના દેવામાં ડૂબેલી અને સોમવારે સરકાર દ્વારા જેનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવ્યો તેવી ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ ર્સિવસિસ
(આઇએલએફએસ)નાં ચાર પૂર્વ ડિરેક્ટર્સ સામે દેશનાં એરપોર્ટ પરથી ભાગી ન જાય માટે લુકઆઉટ નોટિસ બજાવવામાં આવી છે. આ ચાર ડિરેક્ટર્સમાં રવિ પાર્થસારથી, વાઇસ ચેરમેન હરિ સંકરન, પૂર્વ એમડી રમેશ બાવા અને ડિરેક્ટર કે. રામચંદનો સમાવેશ થાય છે. સરકારે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)સમક્ષ કરેલી અરજીમાં એવી શંકા વ્યક્ત કરી છે કે આ ચાર ડિરેક્ટર્સ રાતોરાત દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. આથી તેમની સામે લુકઆઉટ નોટિસ બજાવવી જરૂરી છે. પાર્થસારથી હાલ લંડનમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે અન્ય ડિરેક્ટર્સ દેશમાં જ છે.
કંપનીનાં તમામ પ્રકારનાં વહીવટ અને કામગીરી માટે ડિરેક્ટર જવાબદાર હોય છે તેઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં તેમ સરકારે જણાવ્યું હતું. કંપનીનાં ડિરેક્ટર્સ દ્વારા જે રીતે કંપની વ્યાજ અને દેવું ચૂકવવામાં નિષ્ફ્ળ જઈ રહી છે તેની જાણ નહીં કરવામાં આવતા કંપનીનાં બિઝનેસ ઉપરાંત શેરબજાર અને દેશની ઇકોનોમી પર તેની માઠી અસરો જન્મી હતી.
સરકારે જણાવ્યું હતું કે ડિરેક્ટર્સ દ્વારા પદ્ધતિસર રીતે વધુ વેતન ઉપાડીને ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી. મોટાભાગનાં ડિરેક્ટર્સને જાણ થઈ હતી કે આઇએલએફએસ તેમજ તેની પેટા કંપનીઓ હવે ડૂબતું જહાજ છે અને તેથી તેઓ રાજીનામાં આપવા લાગ્યા હતા. પાર્થસારથીએ જુલાઈમાં, જ્યારે બાવા, વૈભવ કપૂર તેમજ ચાર ડિરેક્ટર્સ દ્વારા ગયા મહિને રાજીનામાં અપાયા હતા.
આઇએલએફએસને દેવામાં ડુબાડવા માટે સંચાલકો જવાબદાર હોવાનું જણાયું હતું. કંપનીનાં ડિરેક્ટર્સ દ્વારા જાણી જોઈને પ્રજાનાં પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો હતો અને કરોડોની રકમ ખોટી રીતે વેડફી નાખી હતી. કંપની ડિફોલ્ટર બની ત્યાં સુધી એકપણ ડિરેક્ટરે સત્યની જાણ કરી ન હતી.
એક અધિકારીએ કહ્યું હતું કે એલઆઇસીએ પિરામલની એક ડીલ ફગાવી તે અમને ભારે પડી ગઈ હતી. 2015માં જ્યારે કંપનીને ફંડની જરૂર પડી ત્યારે પિરામલ ગ્રૂપ દ્વારા એક ડીલની ઓફર કરાઈ હતી. પિરામલે શેરદીઠ રૂ. 750ના ભાવથી કંપનીમાં હિસ્સો ખરીદવાની ઓફર કરી હતી. ડીલ નક્કી હતી ત્યારે એલઆઇસીએ શેરદીઠ રૂ. 1,150ની માગણી કરતા સોદો રદ થયો હતો.