રિયલ જિંદગીમાં પણ ‘લોંગ જમ્પ’October 02, 2018

કેરળના નાના એવા કાલિકટ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતી નાનકડી નીનાને ભણવા ઉપરાંત રમતગમતમાં ખુબ રસ પડતો. રોજબરોજ ભણાવાતા અભ્યાસક્રમ ઉપરાંત રમતગમતના પિરીયડમાં, એથ્લેટીકસ અને બીજી રમતોમાં પણ બીજા વિદ્યાર્થીઓ કરતા આગળ રહેતી. શાળામાં સ્ટેટ લેવલ અને નેશનલ લેવલે અનેક એવોર્ડ મેળવ્યા છે એ સમયે કોઇને ખ્યાલ નહોતો કે નાનકડા ગામની આ બાળા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગામનું નામ રોશન કરશે. આ વાત છે તાજેતરમાં ર018 માં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ મેળવનાર નીના કર્વલની.
નીનાનો જન્મ પ મે, 1991 ના રોજ ખેડૂત પરિવારમાં થયો. પ્રસન્ના અને નારાયણને બે પુત્રી નીના અને નીતુ. જેમાં નીનાએ આજે વિશ્ર્વ પ્રસિધ્ધિ અપાવી છે. ગરીબ પરીવારમાં જન્મેલ નીનાએ આ સફળતા મેળવવા અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે. ગરીબીને કારણે તેને બી.એનો અભ્યાસ અધુરો છોડવો પડયો. કોલેજના પહેલા વર્ષનો અભ્યાસ કરી ઘરની જરૂરીયાત પુરી કરવા ર01ર માં રેલ્વેનાં નોકરી શરૂ કરી. રેલ્વેમાં ટીટીઇ તરીકે ફરજ બજાવતા નીના કર્વલ છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં ફરજ બજાવે છે. તેથી તાજેતરમાં રાજકોટ રેલ્વે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેલ્વે મેનેજર પી.પી.નિનાવે, અધિક મેનેજર એસ.એસ.યાદવ તથા રવિન્દ્ર શ્રીવાસ્તવે એકવીસ હજાર રૂપિયાનો ચેક આપી સન્માન કર્યુ હતું.
કોઇપણ કોમ્પીટીશનની તૈયારી માટે સમય, મહેનત અને પૈસાની જરૂર પડે છે. નીના મહેનત કરવામાં કયાંય પાછી પાની કરતા નથી પણ જ્યારે પૈસાની વાત આવે ત્યારે પગલા પાછા પડે છે. કોમ્પીટીશન માટે અનેક ખર્ચ થતા હોય છે એની જો વ્યવસ્થા થાય તો તૈયારી વધુ સારી રીતે થઇ શકે. પોતાની સફળતા પાછળ નીના એક નામ આવે છે તે છે પીન્ટો મેથ્યુનું. પીન્ટો મેથ્યુ જે પણ એક ઇન્ટરનેશનલ એથ્લીટ છે અને છેલ્લા 10 વર્ષથી સાથે કામ કરતા પ્રેમમાં પડી 4 નવેમ્બર, ર017 ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા.
કોચ અને પતિ પીન્ટો મેથ્યુએ જણાવ્યું હતું કે પૈસાની અછત હોવા છતા અનેક સંઘર્ષ કરીને નીનાએ નક્કી કરેલ ગોલ પ્રાપ્ત કર્યો છે. સખત મહેનત અને દરેક પરીસ્થિતિનો સામનો કર્યો છે. અગણિત મેડલ અને પુરસ્કાર જીતી ચુકેલ નીતા અને કોચ પીન્ટો મેથ્યુ ર0ર0 ટોકીયો ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છે. તેનો પણ આર્થિક પ્રશ્ર્ન ઉભો થશે. આ માટે મદદની આવશ્યકતા છે. બધા જ પ્રશ્ર્નો અને મુશ્કેલીઓ વચ્ચે તેમનું ર0ર0 માં ઓલિમ્પિક જીતવાનું સ્વપ્ન બરકરાર છે. આ માટે ગુજરાત મિરર તરફથી ખુબ ખુબ શુભેચ્છા.
* * * *