આયુર્વેદિક ચિકિત્સા દ્વારા ગેસ્ટ્રાઇટીસ (એસીડીટી)ની અચૂક સારવારOctober 17, 2018

હાલમાં સામાન્ય રીતે વધુ જોવાં મળતાં અને સામાન્ય ભાષામાં એસીડીટી કહેવાતાં લક્ષણો લઈને નિધિબેન આયુર્વેદિક ઉપચાર માટે આવેલાં. ખાટાં ઓડકાર આવવા, પેટમાં ગેસ, અનિયમિત ભૂખ, થાક લાગવો, છાતીમાં બળતરા અને ક્યારેક દુ:ખાવો, માથાનો દુ:ખાવો આ બધાં લક્ષણો ઓછાં વત્તા અંશે જોવા મળતા હતા.
એમને આ રોગ વિશે સમજાવતાં જણાવ્યું કે, આ રોગનાં અધિકાંશ લક્ષણો આયુર્વેદમાં કહેલ અમ્લપિત્ત સાથે મળતાં આવે છે. જો કે, આયુર્વેદમાં અમ્લપિત્ત એક સ્વતંત્ર વ્યાધિ છે, પરંતુ આ રોગનું મૂળ પિત્તની દુષ્ટિ છે એટલે જ પિત્તને અને પાચનને સંબંધિત બધાં જ ઉપચારો કરવાં જરૂરી છે. આવાં લક્ષણો પ્રત્યેે જાગૃતિ દાખવીને સમયસર યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે.
: સમયસર યોગ્ય ઉપચારના અભાવે વધતાં જતાં લક્ષણો :
* અનિયમિત ભૂખ લાગવી
* મોંમાં ચાંદા પડવા કે અલ્સર
* પેટમાં સખત બળતરા થવી
* આખા શરીરે ખાલી ચડવી
* વધુ પડતી તરસ લાગવી
* ક્યારેક કમરનો દુ:ખાવો થવો.
: આયુર્વેદોક્ત મુખ્ય કારણો :
1) વિરુદ્ધ આહાર :
* પીઝા, બર્ગર, નૂડલ્સ, વગેરે લીધાં પછી ફળનો શેક કે દૂધ કે દૂધની બનાવટ લેવી.
* દૂધની મલાઈ કે પનીર / ચીઝ સાથે લસણ, ડુંગળી, ફળો લેવાં.
* ખીર કે દૂધપાક સાથે શાક, દાળ, સંભારો, વગેરે લેવું.
2) દુષ્ટ આહાર :
* અયોગ્ય આરોગ્યની જાળવણી ન હોય એવાં સ્થાને બહારનું ભોજન લેવું.
3) વધુ પડતું અમ્લ(ખાટું) ભોજન :
* પેકડ ફૂડમાં વપરાતાં પ્રિઝર્વેટીવ્ઝ, ઈમલસિફાયર્સ, સ્ટેબિલાઈઝર્સ, સ્વાદ વધારવા માટે વપરાતાં પદાર્થો.
4) વિદાહી ભોજન :
* મરચું, લસણ,તજ, લવિંગ, રાઈ, ગરમ મસાલા.
5) પિત્તલ આહાર :
* કોલ્ડડ્રિન્કસ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, અપક્વ અન્ન, તળેલું, માંસાહાર, આલ્કોહોલ, તીખી ફિંગર ચિપ્સ.
* રાત્રે ઉજાગરા, વધુ પડતું ગરમ ભોજન લેવું, પાણી ઓછું પીવું, અયોગ્ય ઊંઘ
* ઉતાવળિયો સ્વભાવ, ચિંતા અને તીખું ભોજન (વીિિુ, ૂજ્ઞિિુ ભીિિુ)
* તમાકુ, ચા, કોફી વગેરે વ્યસન
* અધ્યશન(એક વખતનું કરેલું ભોજન પચ્યા પહેલાં જ ફરી ભોજન કરવું), કસમયે ભોજન
6) વિશેષ માનસિક કારણો :
* ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, અસંતોષ, માનસિક તણાવ
: આયુર્વેદિક ઉપાય :
રોગી અને રોગની અવસ્થા અનુસાર પંચકર્મ - વમન કરાવવાથી ખૂબ સારો ફાયદો થાય છે.
આ ઉપરાંત વિરેચન, શિરોધારા જેવી ચિકિત્સા પણ લાભપ્રદ છે.
આમળાં, પટોલ, ગળો, હરડે, ચંદન, એલચી, વાળો, નગરમોથ, વગેરે ઔષધિઓ અને તેમનાં યોગો ખાસ ઉપયોગી છે.
આટલું ન લેવું :
* અડદ, કળથી, તલ, ખાટું, ખારું, તીખું, દહીં, પચવામાં ભારે ભોજન, તેલ, આલ્કોહોલ.
* કારણોમાં બતાવ્યા મુજબનાં બધાં નિદાનથી દૂર રહેવું.
ઉપયોગી પદાર્થો :
* મગ, જુનાં ચોખા, નવશેકું પાણી, ઘઉં, જવ, કાકડી, આમળાં, સૂકી કાળી દ્રાક્ષ, દાડમ