ભક્તો સાથે ભેદભાવ મુદ્દે ‘લાલ બાગ ચા રાજા’ પર નજર

 વીવીઆઈપીઓની આગતા સ્વાગતા અને સામાન્ય જનની અવગણનાની ફરિયાદો ઉઠી હતી
મુંબઈ તા.16
મુંબઈના બહુ પ્રસિદ્ધ લાલ બાગ ચા રાજા ગણેશ મંડળ પર સરકાર નજર રાખશે, તેવી માહિતી ચેરિટેબલ કમિશનના સૂત્રો દ્વારા મળી હતી. વીઆઈપીઓની આગતાસ્વાગતા અને સામાન્ય ભક્તને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ સરકાર નિર્ણય લેશે. વારંવાર આ મંડળ સામે કરવામાં આવતી ફરિયાદોને ધ્યાનમાં લઈ કમિશનરે તપાસ કરી હતી અને નિર્ણયો લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
પારદર્શક વ્યવસ્થા માટે સમિતિ નિયુક્ત કરવામાં આવશે અને તેઓ લાઈનમાં ઊભા રહેવા અંગે પણ નિયમો બનાવશે. આ સાથે બાપ્પાના ચરણોમાં કરવામાં આવતા તમામ પ્રકારના દાનની મોજણી કમિશનની દેખરેખ નીચે કરવામાં આવશે. ભાવિકોની લાઈન કેવી હોવી જોઈએ, કોને પ્રાધાન્ય મળે, નહીં મળે તેમ જ કરોડોમાં આવતાં દાન પર પણ સરકારની નજર રહેશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.