ભ્રષ્ટાચાર વિરોધી ટીમની જયસૂર્યા સામે સટાસટી

દુબઈ તા.16
શ્રીલંકન ક્રિકેટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દા પર આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ભ્રષ્ટાચાર-વિરોધી એકમ દ્વારા એક વર્ષથી તપાસ થઈ રહી છે અને એ તપાસમાં ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ સિલેક્શન કમિટીનો ચેરમેન સનથ જયસૂર્યા બે મુદ્દા પર તપાસમાં સહકાર નથી આપી રહ્યો, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સંબંધમાં ખુલાસો કરવા આઇસીસીએ તેને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન અને 110 ટેસ્ટ તથા 445 વન-ડે રમી ચૂકેલા જયસૂર્યાની સિલેક્શન કમિટીએ સપ્ટેમ્બર 2017માં કમિટીના પર્ફોર્મન્સ વિશે થયેલી વ્યાપક ટીકાને પગલે રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના આધારભૂત સૂત્રો પાસેથી પીટીઆઇને જાણવા મળ્યું છે કે જયસૂર્યા આઇસીસીની તપાસને ‘અવરોધી રહ્યો હોવાનો અથવા વિલંબીત કરી રહ્યો હોવાનો’ તેમ જ તપાસમાં ‘જરૂરી માહિતી સાથે સહકાર ન આપી રહ્યો હોવાનો’ આક્ષેપ થયો છે.