સાયલા પાસે નર્મદા કેનાલની કુંડીમાં તોડફોડ કરી પાણીચોરી

અજાણ્યા શખ્સો સામે નોંધાઈ
પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર તા.15
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ તેમજ માઈનોર કેનાલ પર માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે તોડફોડ કરી પાણી ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે નર્મદા વિભાગના સેકશન અધિકારી સાયલા સહિતની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર તોડફોડ કરી પાણીની ચોરી થતી હોવાનું ધ્યાને આવતાં સાયલા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સાયલા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રતનપર ખાતે રહેતાં અને સાયલા ખાતે સેકશન અધિકારીની કચેરીમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતાં હરદિપભાઈ કનુભાઈ કટારીયા અને સ્ટાફ દ્વારા લીંબડી ભોગાવો-1 થોરયાળી ડેમ સીંચાઈના 14 જેટલાં ગામોને સીંચાઈ માટેનું પાણી આપવાની જવાબદારી તેમનાં પર છે.
જે દરમ્યાન તેઓ સાયલા કિસ્મત હોટલ પાછળ આવેલ મુખ્ય કેનાલ પર નહેર બાંધકામ-40 પર ગયાં ત્યારે પાણીની કુંડી તથા બાંધકામને અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી હોવાનું જણાઈ આવ્યું
હતું. તેમજ મુખ્ય નહેરનું પાણી વોકરામાં કાઢી ડાબા કાંઠે ગેરકાયદેસર રીતે નહેર બંધ કરી દીધી હતી. આમ અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદેસર તોડફોડ અને ચોરી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.