વૂડી જ્હોન્સ પિઝા, સાહેબ્સ બિસ્ટ્રો-પટેલ ડાયનિંગ હોલમાં પોલમ્પોલOctober 12, 2018

કાલાવડ રોડ જેવા પોશ એરિયામાં કહેવાતા સારા ફૂડ ઝોનમાં વાસી ખોરાક પકડાયો

રાજકોટ, તા.12
ખૂબ જ ઉંચા દામ ચૂકવી ક્વોલીટી ફૂડનો આગ્રહ સાથે પોશ એરિયામાં ડીનર કે બ્રેકફાસ્ટ કરવા જતા લોકો માટે માઠા સમાચાર છે. કાલાવડ રોડ પર આજે ફૂડ શાખાએ ત્રણ રેસ્ટોરન્ટમાં પોલંપોલ ખૂલ્લી કરી છે. ત્રણેય રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય અને વાસી ચીજવસ્તુઓનો મોટો જથ્થો નાશ કરી નોટિસ આપવામાં આવી છે.
મનપાન આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને ડીઝીગ્નેટેડ અધિકારી ડો.અમિત પંચાલનાં માર્ગદર્શનમાં સૌ પ્રથમ ટીમો કાલાવડ રોડ પર આવેલ વુડી જોન્સ પિત્ઝામાં ત્રાટકી હતી. તપાસ કરતા રેસ્ટોરન્ટમાંથી વાસી બાફેલા બટેટા, વાસી નુડલ્સ, વા;સી મકાઇ-ફ્રોંઝોન પેટી, એક્સપાયરી ડેટેડ કોલ્ડીન્કસ સહિત 86 કીલો અખાદ્ય ચીજવસ્તુઓ ઝડપી પાડવામાં આવી હતી. ટીમોએ તેનો નાશ કરી ફૂડ લાયસન્સ માંગતા રેસ્ટોરન્ટ પાસે ફૂડ લાયસન્સ પણ ન હતું. આથી નોટિસ ફટકારવામાં આવી હતી. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક આવેલ પટેલ ડાયરિંગ હોલમાંથી પણ વાસી બાંધેલો લોટ, સડેલા બટેટાનો 67 કિલો અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો ઝડપાયો હતો. ટીમે નોટિસ પાઠવી વાસી વસ્તુનો નાશ કરી દીધો હતો.
કાલાવડ રોડ પર જ્યોતિનગર ચોકમાં આવેલ સાહેબ બ્રિસ્ટો નામ ધરાવતી રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં વાસી મંચ્યુરન, વાસી ગ્રેવી, રાંધેલા વાસી ભાત, વાસી ન્યુડલ્સ સહિતનો 140 કિલો અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો ઝડપી તેનો નાશ કરાયો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીના આદેશથી નાયબ કમિશનર ગણાત્રા સાહેબ, આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠળ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. વિશેષમાં નિયમ સમયમાં કિચન વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહિં કરવામાં આવે તો બી.પી.એમ.સી.એક્ટની કલમ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.