જામનગર એરપોર્ટના રન-વે ઉપરથી જગુઆર ફંગોળાયુંOctober 12, 2018

રાત્રિ પ્રેકટીસ દરમિયાન બનેલ બનાવ : અમદાવાદ ડિફેન્સના અધિકારીઓ દ્વારા તપાસનો આદેશ
જામનગર તા.12
જામનગર એરપોર્ટ ઉપર ચાર દિવસ પહેલા વાયુસેના દ્વારા કરવામાં આવતી રાત્રી પ્રેકટીસ દરમિયાન જગુઆર ફાઇટર પ્લેન રન-વે ઉપરથી ફંગોળાઇ ગયું હતું. ચાર દિવસ બાદ આ મામલો પ્રકાશમાં આવતા અમદાવાદ ડીફેન્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસના આદેશ આપવામાં
આવ્યા છે.
સતાવાર સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ગત તા.9 ના રોજ રાત્રીના સમયે જામનગર વાયુસેનાનું લડાકુ જગુઆર પ્લેન રાત્રી પ્રેકટીસ કરી રહ્યું હતું ત્યારે યાંત્રિક ખામીના કારણે રન-વે ઉપરથી ફંગોળાઇ ગયુ હતું.
વધુમાં મળતી વિગત મુજબ જગુઆર પ્લેન રન-વે ઉપરથી ટેકઓફ થાય તે પહેલા જ પ્લેનમાં કોઇ યાંત્રિક ખામી સર્જાઇ હતી અને પ્લેન રન-વે ઉપરથી ફંગોળાઇને નીચે ઉતરી ગયું હતું. આ બનાવમાં પાયલોટ સુરક્ષિત હોવાનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. રન-વે ઉપરથી પ્લેન ફંગોળાઇ જતા મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આવા બનાવોના કારણ જાણવા માટે અમદાવાદ ડીફેન્સના ઉચ્ચ અધિકારી દ્વારા ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવતા વાયુસેનાના અધિકારીઓ એરપોર્ટ ખાતે દોડી જઇને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.