નીતિશ કુમાર પર ‘સવર્ણ’નું ચપ્પલ!October 12, 2018

 ‘અનામત’થી પરેશાન યુવકની તત્કાલ ધરપકડ
પટણા તા.12
બિહારની રાજધાની પટણા ખાતે જનતા દળની યુવા પાંખને સંબોધિત કરી રહેલા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર ચાલુ કોન્ફરન્સે ઔરંગાબાદના ચંદન કુમારે સ્લીપર ફેંક્યું હતું. મંચ પર નીતીશ કુમાર સાથે ચૂંટણી વ્યૂહકારમાંથી રાજકારણ તરફ વળેલા પ્રશાંત કિશોર પણ હાજર હતા. પોલીસે તરત જ ચંદન કુમારની ધરપકડ કરી હતી. ચંદન કુમારે નીતીશ કુમાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેનો વિરોધ આરક્ષણ સામે છે. તે સવર્ણ છે અને અનામતની જોગવાઇને પરિણામે તેને નોકરી નહીં મળતી હોવાથી તેણે ધ્યાન ખેંચવા નીતીશ કુમાર પર ચપ્પલ ફેંકયું હતું.પોલીસના આવ્યા પહેલા જેડી (યુ)ના કાર્યકરોએ ચંદન કુમારને સભા ખંડમાંથી બહાર ધકેલ્યો હતો. પાછલા કેટલાક સમયથી નીતીશ કુમાર પક્ષના વિવિધ સમુદાયો સાથે સંવાદ સાધી રહ્યા છે. ગયા સપ્તાહે નીતીશ કુમારે પક્ષના મહિલા સેલ સાથે વાતચીત કરી હતી. તે અગાઉ તેમણે પટણા ખાતે મહા દલિત બેઠક પણ યોજી હતી.બિહાર ખાતે અત્યારચાર ધારા અંતર્ગત ઉઠેલા વિવાદને પરિણામે એનડીએ સરકાર વિરુદ્ધ વંટોળ વ્યાપક બન્યો છે. જેણે સામાન્ય જનજીવન ડહોળી નાખ્યું છે, જયારે સવર્ણ સમુદાય પણ સરકારના વલણથી ચિંતાતુર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.ઉલ્લખનીય છે કે અગાઉ પણ પટણા ખાતે 2016માં મુખ્ય મંત્રી પર જૂતા ફેંકવાના આરોપ હેઠળ પી. કે. રાય નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.