ભાવનગર મ્યુ. કોર્પો.ની આશ્ર્ચર્યજનક કાર્યવાહી : 10 વૈભવી કાર જપ્ત

આજીવન વાહનકર નહીં ભર્યો હોવાથી કડકાઇ
ભાવનગર તા.12
ગઇકાલે એક આશ્ર્ચર્યજનક કાર્યવાહી રૂપે ભાવનગરમાં ફોચ્યુનર અને બીએમડબલ્યુ સહિતની 10 કાર મહાપાલીકાએ જપ્ત કરી લીધી હતી. ભાવનગર મહાપાલિકાની હદમાં આવતા રસ્તા પર અવર-જવર કરતાં વાહનોના વાહનધારકોએ મહાપાલિકાનો આજીવન વાહનકર ભરવો ફરજીયાત છે. વાહનકર સમયસર નહીં ભરનાર 10 ફોર વ્હીલર ધારકોના વાહનો ગઇકાલે ભાવનગર મહાપાલિકાના વાહનકર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. જેમાં બીએમડબલ્યુ, ફોરર્ચુનર, ફોર્ડ, એસ્ટીમ, સ્પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.
જપ્તી બાદ પણ વાહનકર નહિ ભરનારનું વાહન વેચીને પણ કર વસુલવામાં આવશે. આ જપ્તીની કાર્યવાહી વિભાગ દ્વારા દૈનિક ધોરણે હાથ ધરવામાં આવનાર છે. આથી તમામ વાહન ધારકોને વાહનકર વહેલામાં વહેલી તકે ભરપાઈ કરવાનો તથા જપ્તીની કડક કાર્યવાહીથી બચવાનો ભાવનગર મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.