હથિયારો શોધવા આવેલી NIA રેતી ઉલેચીને ગોસાબારાથી પરતOctober 12, 2018

 ખોદકામમાં કશું
હાથ નહીં લાગતા એજન્સીને ધરમધકકો
પોરબંદર તા.12
પોરબંદરના ગોસાબારાના દરિયાકીનારે ભુતકાળમાં આરડીએકસ લેન્ડીંગ થઇ ચુકયું છે ત્યારે ત્યાં ફરીને ઘાતક હથિયારો ઉતારવામાં આવ્યા હોવાની માહિતીના આધારે દિલ્હી અને અમદાવાદથી સુરક્ષા એજન્સીની ટીમો ગઇકાલથી ખોદકામ કરી રહી હતી જેમાં 13 કલાકના ખોદકામ બાદ પણ કશું જ હાથ લાગ્યું ન હતું.
પોરબંદર નજીકના દરિયાઈ પટ્ટીના 14 કી.મી. દુર આવેલા ગોસાબારામાં ઘાતક હથીયારોનું લેન્ડીંગ કરીને અથવા તો અન્ય માર્ગે લાવીને તેને છૂપાવવામાં આવ્યા હોવાની ચોક્કસ માહિતીના આધારે પ્રથમ વખત દેશની સર્વોચ્ચ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના નેજા હેઠળ ગુજરાત એ.ટી.એસ. ની ટીમ દ્વારા બુધવારે વહેલી સવારથી અચાનક ઓપરેશન હાથ ધરીને જે.સી.બી. દ્વારા ખોદકામ કરીને 13 કલાક સુધી કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, બુધવાર સાંજ સુધી કોઇ જ હથિયારો હાથ લાગ્યા ન હતા તેથી કામગીરી પૂર્ણ કરી દેવાઇ હતી પરંતુ મોડી રાત્રે ફરી સુરક્ષા એજન્સીઓ ખોદકામ માટે આવી હતી અને કેટલાક કલાક સુધી અંધારામાં ખોદકામ કર્યા બાદ વહેલીસવારે રવાના થઇ ગઇ હતી.
પોરબંદરમાં આવેલી એનઆઇએની ટીમે જયાં ખોદકામ હાથ ધર્યુ હતું ત્યાં 150 વર્ષ પહેલાથી કબ્રસ્તાન હતું અને ગોસાબારા પંથકના મછીયારાઓના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજોને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ 1983માં ભારે પુર આવ્યું ત્યારે તમામ વિસ્તાર ઉપર પુનમની મોટી ભરતી આવતા પાણી પાણી થઇ ગયું હતું અને મોટું નુકશાન થયું હતું ત્યારબાદ ત્યાં દફનક્રીયા બંધ કરવામાં આવી હતી.
દિલ્હી અને અમદાવાદથી પોરબંદર આવેલી એજન્સીઓએ જે કાંઇ કાર્યવાહી કરી છે તે સ્પષ્ટપણે જાહેર કરી નથી.
અને સ્થાનિક પોરબંદર પોલીસ સામે પણ મૌન ધારણ કરીને શું ખોદવા આવ્યા હતા? અને શું કાઢયું? તેની રતીભાર પણ સ્પષ્ટતા કરી નથી અને એમ જ એજન્સીઓ પરત ફરી હતી.