સિહોરમાં સાત રોલિંગ મિલ પર સ્ટેટ GSTનાં દરોડા

 21 ટીમો દ્વારા 44 અધિકારીઓ સાથે પેઢીનાં કારખાનાં, ઓફિસ, રહેઠાણ મળી 21 સ્થળે તપાસ
ભાવનગર તા.12
ગત માસમાં બોગસ ઇ-વે બીલ કરી ટેક્સ ચોરીનું મસમોટુ કૌભાંડ મળી આવ્યુ હતુ. જેમાં પાંચ બોગસ પેઢીઓ એસ.જી.એસ.ટી.ની ઝપટે ચડી હતી અને કરોડોના બોગસ વ્યવહારો ફર્જી નામે મળી આવેલ જે અંગે વધુ તપાસ હાથ ધરાતા વધુ સાત વેપારીના નામો ખુલવા પામતા આ સાત પેઢીઓ પર પણ 21 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ જી.એસ.ટી. દ્વારા ગત સપ્ટેમ્બરમાં બોગસ બિલીંગનું મસમોટુ રેકેટ ઝડપી લેવામાં આવ્યુ હતુ અને મુળ ભાવનગરની ઋત્વા એન્ટરપ્રાઇઝ, પુષ્પક એન્ટરપ્રાઇઝ, આદિત્ય એન્ટરપ્રાઇઝ, પી.બી. ટ્રેડર્સ અને મહાવિર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ અલગ અલગ સ્થળેથી બોગસ નંબર મેળવી બોગસ બીલીંગ આરતા હોવાનું જણાતા 30 બેન્કોના 35 એકાઉન્ટમાં વ્યવહારો મળી આવ્યા હતા અને તમામ એકાઉન્ટ સીઝ પણ કરી દેવાયા હતા.
આ કૌભાંડનો આંકડો 100 કરોડ હોવાનું સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો હતો. જેમાં મળી આવેલ પાંચે પેઢીના માલિકોને માત્ર મહોરા તરીકે ઉપયોગ કરાયો હોવાનું જણાયુ હતુ. નાનીસુની રકમ કે પ્રલોભન આપી જરૂરી આધારો મેળવી જે-તે વ્યક્તિના ડોક્યુમેન્ટ રજૂ કરી બોગસ પેઢી ઉભી કરી પડદા પાછળ કીંગમેકર ભૂમિકા કોઇ ઓર જ ભજવતું હોવાનુ જણાયું હતુ.
જ્યારે ચિત્ર થોડુ સ્પષ્ટ થતા સ્ટેટ જીએસટી દ્વારા આ 100 કરોડના કૌભાંડની તપાસમાં વધુ સાત પેઢીના નામ સામે આવતા આજ સવારથી જ 21 ટીમોમાં 84 જેટલા કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સાતે પેઢીના કારખાના, ઓફિસ અને રહેઠાણ એમ કુલ 21 સ્થળોએ એકી સાથે ચર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
આ સાત પેઢીમાં સિહોરની નવભારત રોલીંગ મીલ, એમ.એમ.જી. રોલીંગ મીલ, પાતરાન રોલીંગમીલ, સાલાસર સ્ટીલ, ડ્રેસ ઇન્ડસ્ટ્રીઝ, હિરા સ્ટીલ, જે.આર. સ્ટીલનો સમાવેશ થાય છે. આ મળી આવેલ સાત પેઢી મુખ્ય કીંગમેકર પણ હોઇ શકે છે. અથવા આમાના કેટલાક મહોરા પણ હોવાની સંભાવના નકારી શકાતી નથી. જોકે તપાસ હજુ મોડે સુધી શરૂ રહી છે. ટેક્સ ચોરી માટે વચેટિયાનો ઉપયોગ
લાખોના સામાનની વેચાણ અને ખરીદ કરનાર પેઢીને ટેક્સ ન ભરવો પડે તે માટે બોગસ પેઢી ઉભી કરી માલ રવાના રતા અને માલ જેતે પેઢીને પહોંચે ત્યાં સુધી વચ્ચેના તમામ ગતિવિધી બોગસ વચેટીયા મારફત થતી હોવાનું જણાયુ છે. અને ઝડપાય તો પણ આ બોગસ વચેટીયા ઝડપઆઇ જ્યારે મુળ કૌભાંડી આબાદ બચી શકે તેવી યુક્તિનો પર્દાફાશ થવા પામ્યો છે અને ઝડપાયેલ આ વચેટીયા નબળી સ્થિતિના અને માત્ર ઉપયોગ કરવા માટે નંબર મેળવ્યો હોવાનું સામે આવ્યુ છે.
બોગસ જીએસટી નંબરથી ખોટા ઇ-વે બીલનું કૌભાંડ
ભાવનગરમાં કેટલાક વેપારીઓ જીએસટી નંબર લઈ ખોટા ઈ-વે બીલ બનાવતા હોવાની ખુલ્લી વાત જીએસટીના જોઈન્ટ કમિશનરે સ્વીકારી હતી. ભાવનગમાં સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસટેક્ષ ડિપાર્ટમેન્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. વેપારી અને ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્નોના નિરાકરપ માટે યોજાયેલ ઓપન હાઉસમાં જીએસટીના જોઈન્ટ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં કેટલાક લોકો બોગસ જીએસટી નંબર લઈ ખોટા ઈ-વે બીલ બનાવ છે. તે અટકાવવું ખુબ જ જરૃરી છે. આવા લોકોની માહિતી જીએસટી કેચરીને આપવા તાકિદ કરાઈ હતી. આસિ. કમિશનરએ જીએસટીના વિવિધ વિષયો અને કઈ તારીખે ક્યું રિટર્ન ફાઈલ કરવું, કોને ક્યો એચએસએન કોડ લાગુ પડે ? તે અંગે જાણકારી આપી હતી. રજિસ્ટર્ડ વ્યક્તિ, બિઝનેસ એક્ટીવિટી હોય કે ન હોય દરેકે રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. આ ઉપરાંત જીએસટીઆર-1 ભરવાની અવધી પૂર્ણ થયા બાદ રોજના રૃ.200નો દંડ ચૂકવવો પડે છે. તેમજ બોગસ બિલીંગ બંધ થાય તે માટે તમામ લોકોએ સજાગ રહેવું જોઈએ તેમ કરવેરાના સલાહકારે ઉમેર્યું હતું.