પ્લેટીનમ, મરાસા, પીઝાકેસલ સહિતની નામી હોટલમાં દરોડાOctober 11, 2018

 લાપીનોઝ પીઝા પાસે ફુડ લાયસન્સ જ ન હતું: અડધો ડઝન હોટલ - રેસ્ટોરન્ટમાંથી 758 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરાયો: આરોગ્ય અને ફુડ શાખાના દરોડા
રાજકોટ તા.11
ખાણીપીણીના શોખીન રાજકોટવાસીઓના આરોગ્ય સાથે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો અવાર - નવાર ચેડા કરી રહ્યા છે તેમાં આજે રાજકોટ શહેરની નામી અડધો ડઝન હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો અખાદ્ય અને વાસી ખોરાક ગ્રાહકોને ધાબડતા હોવાનું ખુલવા પામ્યું છે. આરોગ્ય અને ફુડશાખાએ પાડેલા દરોડામાં 758 કિલો સામગ્રીનો નાશ કરી સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ તમામ સંચાલકોને કિચન વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હોટેલ સીલ કરવાની ચીમકી આપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં આવેલી હોટલ - રેસ્ટોરન્ટના રસોડામાં ખાણીપીણીના કચરાનો નીકાલ કરવામાં ન હોવાની ફરિયાદના આધારે આજે આરોગ્ય અને ફુડશાખાએ દરોડા પાડ્યા હતા. તેમાં રામકૃષ્ણ મેઈન રોડ ઉપર આવેલ લાપીનોઝ પીઝામાં મેંદાના લોટમા ધનેડા મળી આવ્યા હતા. આ ઉપરાંત કેપ્સીકમ, ટમેટા
ચીઝ અને સોસ ખુલ્લામાં રાખવામાં આવતા 35 કિલો મેંદાનો લોટ સહિત 93 કિલો
અખાદ્ય વસ્તુનો નાશ કરી સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી હતી.
યુનિવર્સિટી રોડ પર સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાં વાસી રાંધેલો ખોરાક અને શાકભાજી મળી આવ્યા હતા. ત્યા 138 કિલો અખાદ્ય વસ્તુનો નાશ કરી સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે જ્યુબેલી ચોક પાસે આવેલી પ્લેટીનમ હોટેલમાં વાસી અને રાંધેલો ખોરાક મળતા 144 કિલો અખાદ્ય પદાર્થ નાશ કરી રૂા.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
લીમડા ચોકમાં આવેલ હોટેલ સરોવર પોર્ટીનો (મરાસા)માં તપાસ હાથ ધરવામાં આવતા વાસી લાલ - લીલી ચટણી, મીરીનેટ માટેની ગ્રેવી લેબલીંગ શીવાયની અખાદ્ય બેકરી પ્રોડકટ, અખાદ્ય ઈડલી, મેરીનેટ કરેલ વાસી પનીર, ફ્રીજમાં સંગ્રહ કરેલ વાસી તંદુર રોટીનો આટો મળી આવ્યો હતો. આથી 40 કિલો અખાદ્ય પદાર્થ નાસ કરી સંચાલકને નોટીસ ફટકારવામાં આવી છે.
કાલાવડ રોડ ઉપર પીઝા કેસલમાં પીઝા પેકી રોલ, પીઝા રોટલા, પાસ્તા, નુડલ્સ, પાઉંબ્રેડ, સલાડ, મન્ચુરીયન, ફ્રેન્ચફાઈઝ સહિતની વસ્તુ અખાદ્ય મળી આવતા કુલ 110 કિલો વાસી ખોરાક નાશ કરવામાં આવ્યો છે.
મોટી ટાંકી ચોકમાં આવેલ સ્મીત કીચનમાંથી વાસી અખાદ્ય લાલ - લીલી ચટણી, અખાદ્ય મીરીનેટ માટેની ગ્રેવી, લેબલીંગ વગરની બેકરી પ્રોડકટ, મેરીનેટ કરેલ વાસી પનીર તેમજ ફ્રીજમાં રાખેલ તંદુર રોટીનો વાસી આટો મળી કુલ 198 કિલો અખાદ્ય પદાર્થ નાશ કરવામાં આવેલ છે. આ કામગીરી નાયબ કમીશનર ગણાત્રા, આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ, ફુડ શેફટી ઓફિસર વાઘેલા, સરવૈયા, કેતનભાઈ, મોલિયા, પરમાર સહિતના સ્ટાફે કરી હતી.