વર્ક-પ્લેસમાં મહિલાઓ માટે ખાસ સુરક્ષા સંહિતાOctober 11, 2018

નવી દિલ્હી તા.11
મી ટૂ કેમ્પેઇન દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ કેમ્પેઇનનાં માધ્યમથી મહિલાઓ સાથે કામનાં સ્થળે અથવા અન્ય જગ્યાએ સહ કર્મચારી અથવા સિનિયર કર્મચારી દ્વારા કરાયેલા શારીરિક કે શાબ્દિક છેડતીનાં બનાવો સામે આવ્યાં છે. ત્યારે ફરી એક વખત મહિલા સુરક્ષા પર પ્રશ્ર્નાર્થ મૂકાયો છે. જો કે, કામનાં સ્થળે મહિલાની છેડતી તે ગૂનો ગણાવતો કાયદો સુપ્રિમ કોર્ટે ઘડયો છે. એ કાયદા અનુસાર વિવિધ સંજોગોનું અવલોકન કરી સજા અને દંડ નક્કી કરાયો છે.
વિશાખા ર્વિસસ સ્ટેટ ઓફ રાજસ્થાન કેસમાં 1997માં ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી હતી. જે વિશાખા ગાઇડલાઇન્સ અને વિશાખા માર્ગદર્શક સિદ્ધાંતોનાં નામથી ઓળખાય છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા પરથી નવો કાયદો ઘડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2013માં પ્રિવેન્શન ઓફ સેક્શુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ (પોશ એક્ટ) તૈયાર કરાયો છે.
આ કાયદા અનુસાર, મહિલાને ખોટી રીતે સ્પર્શ કરવો, શારીરિક સંબંધની માગણી, લિંગ સૂચક વાક્યો બોલવા, મહિલાને અશ્લીલ ફોટો અથવા વિડિયો મોકલવા ગુનો છે. આ ગુના સંદર્ભે આરોપી સામે પગલાં લેવાય તે માટે દરેક ઓફિસમાં એક કમિટીની રચના કરવી જરૂરી છે જેમાં મહિલાઓ સામે આવીને વાત કરી શકે છે. ઓફિસમાં અથવા સહ કર્મચારીઓ સાથે બહાર મિટિંગ અથવા ઓફિસ ટૂર પર ગયા હોય ત્યારે પણ જો કોઇ પ્રકારે શારીરિક અથવા શાબ્દીક છેડતી થાય તો તુરંત ફરિયાદ કરી શકે એવું વાતાવરણ ઉભું કરવું.