કર્મની નિર્જરા કરતી મંગલકારી આયંબિલ તપ આરાધના

તા.15 આસો સુદ 6થી આસો માસની આયંબિલ ઓળીની આરાધનાનો પ્રારંભ થશે. નવ દિવસ આયંબિલ આરાધનામાં જોડાઇને શ્રાવક શ્રાવિકાઓ સ્વાદ અને મન પર વિજય મેળવશે
આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના. અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી આ સાધનાથી અનાદિકાળથી પડેલા આહારના સંસ્કાર પર વિજય મેળવી શકાય છે. સાધનામાં સહાયક, શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. પ્રભુ, પરમાત્માને જ્યારે પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે, ‘હે પ્રભુ આપના સાધુ-સાધ્વીમાંથી શ્રેષ્ઠ તપસ્વી કોણ ? ત્યારે કરૂણાસાગર પરમાત્માએ કાકંદી ધન્નાનું નામ લીધુ હતું કે જેણે છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ કરી હતી.
આયંબિલ ઓળી વર્ષમાં બે વખત આવે છે. ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં કે જ્યારે ઋતુ સંધિકાળ આવતો હોય છે ત્યારે વાત, પિત્ત અને કફનો પ્રકોપ વધતો હોય છે આવા સમયે પરમાત્માએ આયંબિલ આરાધના સુચવી શરીરને આધ્યાત્મિક પ્રવૃતિ માટે સ્વસ્થ અને નિરોગી રાખી શકાય. આ તપમાં રસ વગરનું સુકુ ભોજન ફક્ત એક જ સમય લેવાનું હોય છે નવ દિવસ નવપદજીની આરાધના કરવાની હોય છે. ઉત્તરાધ્યયન સુત્રમાં પ્રભુ મહાવીરે કહ્યું છે કે કરોડો ભવોના બાંધેલા કર્મોની આ તપથી નિર્જરા થાય છે. આવા નવ નવ દિવસની ઓળીના ઉત્સવ માટે પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્ર્વરજી મ.સા.એ કહ્યું છે કે
યોગ અસંખ્ય જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ ધ્યાન પ્રમાણો રે
જેમ શ્રી શેત્રુંજય ગિરીરાજ શાશ્ર્વત છે તેમ નવપદજી ઓળીને પણ શાશ્ર્વત કહેવામાં આવી છે. જેમાં નવે દિવસ અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ આ નવપદ સાથે જોડવામાં આવે છે. આ દરેક પદની આરાધના યોગ્ય તપ જપ વિધી સાથે કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.