ભૂપેન્દ્રસિંહ પછી ‘વાસણજી’ પણ ખખડ્યા: મોદી મેજિક ઓસર્યો છે

અમદાવાદ: ગુજરાતમાં મોદીનો કરિશ્મા ઓસરી રહ્યો છે. જેનો સૌથી મોટો ખુલાસો ભાજપ સરકારના મંત્રીએ કર્યો છે. 1 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સંગઠનના માણસોને અમિત શાહે તાત્કાલિક કામ પડતાં મૂકીને દિલ્હી દોડાવ્યા હોવાની બાબતે મોટો ખુલાસો થયો છે. મોદી એ ભાજપનો ચહેરો છે. મોદીની સૌરાષ્ટ્રમાં સભા બાદ મોદીએ અમિત શાહનો દિલ્હીમાં ઉઘડો લીધો હતો. જેને પગલે અમિત શાહે ગુજરાતમાં સરકાર અને સંગઠનના અગ્રણીઓને દિલ્હી તાત્કાલિક દોડાવ્યા હતા. આ બાબતે ગુજરાત સરકારના રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરે વટાણા વેર્યા છે. તેઓએ રાજકોટમાં પીએમની સભામાં ખાલી ખુરશીઓને લઈને ભાંગરો વાટ્યો છે અને કહ્યું છે કે, રાજકોટમાં પીએમ મોદીની સભામાં 75 ટકા ખુરશીઓ ખાલી હતી. કચ્છના અંજારમાં વાસણભાઈ આહિર પોતાના કાર્યકરોને સંબોધિત કરી રહયા હતા ત્યારે આ બાબતો બહાર આવી છે. મુખ્યપ્રધાન ખુદ વતન રાજકોટમાં વડાપ્રધાનની સભામાં લોકોને ભેગા ન કરી શક્યા તેવુ નિવેદન આપ્યું હોવાના અહેવાલો છે. ભૂપેન્દ્રસિંહે પણ ભાજપની પોલ ખોલતાં ખૂલાસો કર્યો હતો કે, ભાજપ માટે હવે ભીડ એકઠી કરવી મુશ્કેલ છે.  જો દર રવિવારે ભાજપને લોકો એકઠા કરવા હોય તો નથી થતાં 4 કે 6 મહીને ભેગા કરવા હોય તો પણ વિચારવું પડે કે વાહન મુકીશું કે શું કરીશું.  મોદી દિલ્હી ગયાના બીજા દિવસે દિલ્હીથી મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી નિતિન પટેલ, ભીખુભાઈ, મનસુખભાઈ માંડવીયા, આઈ કે જાડેજા, ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, જીતુ વાઘાણી સહિત કમિટીના સદસ્યોને તેડું આવ્યું હતું. હવે આ બાબતે સરકારના મંત્રીએ ખૂલાસો કરી ભાજપના વટાણા વેરી દીધા છે. મોદીની સભામાં પણ ભાજપને ભીડ ભેગી કરવામાં હવે આંખે પાણી આવી રહ્યાં છે.