દટાયેલા હથિયારો શોધવા ગોસાબારાનો કાંઠો ખોદાવતી ગઈંઅOctober 11, 2018

 સ્થાનિક પોલીસને દૂર રાખીને શરૂ કરાયેલી તપાસ આજે’ય અવિરત
પોરબંદર : પોરબંદર નજીકના દરિયાઈ પટ્ટીના 14 કી.મી. દુર આવેલા ગોસાબારામાં ઘાતક હથીયારોનું લેન્ડીંગ કરીને અથવા તો અન્ય માર્ગે લાવીને તેને છૂપાવવામાં આવ્યા હોવાની ચોક્કસ માહિતીના આધારે પ્રથમ વખત દેશની સર્વોચ્ચ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના નેજા હેઠળ ગુજરાત એ.ટી.એસ. ની ટીમ દ્વારા બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યાથી અચાનક ઓપરેશન હાથ ધરીને જે.સી.બી. દ્વારા ખોદકામ કરીને તપાસ શરૂ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.પોરબંદરથી 14 કિલોમીટર દૂર આવેલા ગોસાબારાના દરિયાકાંઠે ભૂતકાળમાં આર.ડી.એક્સ. લેન્ડીંગ થઈ ચૂક્યું છે અને થોડા વર્ષો પહેલા મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ પોરબંદરની બોટનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ ગુજરાતના દરિયાકિનારે સુરક્ષા એજન્સી દ્વારા ખૂબ સતર્કતા દાખવીને દરિયાઈ તેમજ આકાશી માર્ગે નિયમિત નિદર્શન સહિતની એક્સરસાઈઝ યોજવામાં આવે છે. તેવામાં અચાનક જ એ.ટી.એસ. દ્વારા એક દરગાહ પાસે જે.સી.બી. થી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીથી ભારે ચકચાર જાગી છે. 15 થી 20 ફૂટના ખાડા ખોદયા છતાં કાંઇ મળ્યું નહીં
સુરક્ષા એજન્સીઓએ 15 થી ર0 ફુટ જેટલા ઉંડા રેતીમાં ખાડા ખોદી નાંખ્યા છે પરંતુ બુધવારે મોડી સાંજ સુધી એકપણ હથિયાર કે કશું વાંધાજનક મળી આવ્યું નથી. બે દિવસ પહેલા જ શનિવારે પોલીસ દ્વારા સમગ્ર દરિયાકીનારે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 110 કી.મી.ના દરિયાકાંઠે સુરક્ષા વિશે તપાસ થઇ હતી પરંતુ તેના બે દિવસ પછી આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે ભારે ચર્ચાઓ જાગી છે. પોરબંદર નજીકના ગોસાબારા દરિયાકિનારે એન.આઈ.એ. અને એ.ટી.એસ. ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આ સ્થળને દૂરથી કોર્ડન કરી દેવાયો છે અને પ્રેસ-મીડીયા સહિત લોકલ પોલીસને પણ ત્યાં જવાની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત નજીકના ગામના લોકો પણ અનેક કુતુહલતા સાથે આ સ્થળ તરફ જોવા માટે પહોંચ્યા હતા ત્યાંથી તેઓને મનાઈ ફરમાવાઈ હતી.