ફેન્સિંગ માટે સબસિડી આપતી રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ફરી ગઈ

સિંહનાં મોત મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો, ફેન્સિંગ કરવી ગેરકાયદે
રાજકોટ તા.11
એક બાજુ રાજ્ય સરકાર ખેતરમાં પાક રક્ષણ માટે ફેન્સીંગ કરવા સબસીડી આપે છે ત્યારે ખુદ રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ફેન્સીંગ તાર ગેરકાયદેસર હોવાનો જવાબ રજૂ કર્યો છે. રાજ્ય સરકારની આવી બેધારી નીતિથી રાજ્યના હજારો ખેતરોમાં રોષ વ્યાપો છે.
ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી ર ઓક્ટોબર દરમિયાન વિવિધ કારણોસર કુલ ર3 સિંહોનાં મોત થયા છે. એક પછી એક સિંહનાં મોત થવાથી સમગ્ર પંથક અને રાજ્યમા ખળભળાટ મચ્યો છે. આટલા સિંહોનાં મોત બાદ સરકાર અને વનવિભાગ દોડતા થઈ ગયા હતા અને આ ર3 સિંહોનાં મોત મામલે હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજી મામલે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કરતા બુધવારના રોજ કહ્યું હતું કે,
ખેતરોમાં બંધાતા વીજતારનું ફેન્સિંગ ગેરકાયદેસર છે. ખેતરોમાં વીજતારના ફેન્સિંગથી સિંહો અને અન્ય પશુ-પક્ષીઓને જોખમ રહેલું છે ત્યારે વીજતારના ફેન્સિંગ દૂર કરવા સૂચના અપાઈ છે. વીજતારનું ફેન્સિંગ કરવું એ ઈલેક્ટ્રીસિટી એક્ટ મુજબ પણ ગુનો બને છે. જંગલખાતાને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે. સ્થાનિક પ્રશાસન સાથે રહીને આ મામલે કાર્યવાહી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પ0 હજારથી વધુ કૂવા ખુલ્લા હતા. તેથી વનવિભાગ 3ર હજારથી વધુ દીવાલો કૂવા નજીક બનાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારે વધુમાં કહ્યું હતું કે, કૂવા નજીક દીવાલ બનાવવા 16 હજારની સબસિડી પણ આપવામાં આવી રહી છે. સાથે ખુલ્લા ખેતરોમાં આવેલા કૂવા પણ સબસિડી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 3 જિલ્લાઓમાં કલેક્ટર અને ડીડીઓ કૂવાને કવર કરવા માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે.