રાજકોટમાં કાગળ ઉપર કંપની બનાવી જીએસટી ચોરીનું કારસ્તાન પકડાયું

 મોરબીથી તેલગાણા જતી સિરામિકની 23 ટ્રક પકડાતા થયો ભાંડાફોડ: 61 લાખની કરચોરી ખૂલવાની આશંકા
રાજકોટ તા.11
ટેક્સ ચોરી અટકાવવા માટે ફરજિયાત કરેલ જીએસટીમાં પણ વેપારીઓએ છીંડા શોધી કાઢ્યા છે. સિરામીકના વેપારીઓએ રાજકોટમાં કાગળ ઉપર બોગસ કંપની ખોલી કરચોરી કરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જીએસટીની ચોરી કરવા માટે ઇવેબિલ બનાવ્યા વિના તો માલ રવાના કરવામાં આવતો જ હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટર દ્વારા પણ બોગસ ઇનવોઇસ બનાવતા હોય છે. કારણ કે સ્ટેટ જીએસટીએ ઝડપેલી 23 સિરામિકની ટ્રકમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી કરચોરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, તેથી વિભાગ છેલ્લા કેટલા સમયથી આ રીતે કરચોરી કરવામાં આવી રહી છે તે દિશામાં પણ તપાસ શરૃ કરી છે.
મોરબીથી તેલંગાણા જતી સિરામિકની 23 ટ્રક સ્ટેટ જીએસટીએ સોનગઢ ટોલનાકાથી પલસાણા ચાર રસ્તા સુધીના વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. તેમાં 61.37 લાખની કરચોરી બહાર આવવાની શકયતા છે. જ્યારે વિભાગે ટ્રકના ડ્રાઇવર પાસે રહેલા ઇનવોઇસ ચેક કર્યા ત્યારે તે પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે, કારણ કે રાજકોટમાં આવી કોઇ કંપની જ નથી. જેથી કાગળ પર બોગસ કંપની બનાવીને માલ મોકલવામાં આવતો હતો. તેમજ આપવામાં આવતા ઇનવોઇસ પણ 100 નંબર પછીના જ આપતા હોય છે, જેથી પકડાય તો એવું લાગે કે કામ બહુ સમયથી કરે છે. પરંતુ જ્યારે ઇનવોઇસનો આંક 150 વટાવી દે એટલે ફરી પાછું 100 નંબરથી જ ઇનવોઇસ આપતા હોવાનું પણ બહાર આવ્યું છે.