નશાખોર શિક્ષકે સ્કૂલમાં જીવતો વીજવાયર ખુલ્લો છોડી દીધોOctober 11, 2018

 મથાવડા પ્રા.શાળાના શિક્ષક સામે પોલીસમાં બીજી ફરિયાદ: આચાર્ય અને શિક્ષક આમને સામને
ભાવનગર તા.11
તળાજા પંથકની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક નશો કરેલી હાલતમાં આવે છે તેવી જ એક જ પખવાડીયામાં બીજી ફરીયાદ ઉઠવા પામી છે. શિક્ષણ જગતને કલંકીત કરતી આયાત મથાવડા ગામના પ્રા.શાળાના શિક્ષક વિરૂધ્ધ છે. એસ.એમ.સી.એ ફરીયાદ કરી છે. એ ઉપરાંત શાળાના આચાર્ય અને શિક્ષક બંનેએ એકબીજા વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી છે.
અલંગ મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પોસઇ મકવાણા પાસેથી જાણવા મળતી વિગત મુજબ શાળાના આચાર્ય મનોજભાઇ દવે (રે.ભાવનગર) તેઓ મથાવડા પ્રાથમીક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે શાળાનાં જ મદદનીશ શિક્ષક પ્રમોદકુમાર વિરૂધ્ધ અરજી સ્વરૂપે પોલીસ મથકમાં રાવ કરી છે. અપશબ્દો કહી ફરજમાં રૂકાવટ સાથે ધમકી આપ્યાનો અરજીમાં ઉલ્લેખ કરેલ છે. સામાપક્ષે પ્રમોદકુમારે આચાર્ય પોતાને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ કરી છે. આ બાબતે પોસઇ મકવાણાએ કહ્યું હતું કે બંનેની અરજી સ્વરૂપે ફરીયાદ લીધી છે. જરૂર જણાયે એકબીજા વિરૂધ્ધ સતાવાર એફઆઇઆર નોંધવામાં આવશે.
બીજી તરફ મથાવડા પ્રા.શાળાની એસએમસી કમીટીએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા પંચાયત, સાંસદને લખેલા પત્રમાં શિક્ષક વિરૂધ્ધ ફરીયાદ કરી છે. જેમાં પ્રમોદકુમારનું વર્તન અને વ્યવહાર યોગ્ય નથી. શાળામાં શિક્ષક નશો કરીને કયારેક આવે છે તેવો આરોપ લગાવવાની સાથે થોડા દિવસ પહેલા શાળાનો વીજપ્રવાહ વહન કરતો વાયર ખુલ્લો મુકી દીધેલ જેનાથી શાળાના બાળ વિદ્યાર્થીઓ પર ખતરો ઉભો થયો હતો. એસએમસી સભ્ય રણછોડભાઇએ ગઇકાલે તા.9 ના
રોજ મોબાઇલ રાખવા બાબતે સમજાવવાનો પ્રયત્ન કરતા અભદ્ર વર્તન કરેલ. આથી શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપેલ છે.