શેરબજાર લોહીલોહાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનું ગાબડુંOctober 11, 2018

નિફટીમાં પણ 300 પોઈન્ટથી વધુનું ધોવાણ, આઠ માસના નીચા તળિયે બજાર પહોંચ્યું, ડોલર સામે રૂપિયો વધુ 23 પૈસા તુટ્યો રાજકોટ તા,11
ભારતીય શેરબજારમાં ગઈકાલે 461 પોઈન્ટની રિકવરી આવ્યા બાદ આજે સવારે શેરબજાર ખુલતા જ સેન્સેકસ નિફટી લોહિલોહાણ થઈ ગયા હોય તેમ સેન્સેકસમાં 1037 પોઈન્ટ અને નિફટીમાં 325 પોઈન્ટનું ગાબડુ પડતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.
આજ રીતે ડોલર સામે રૂપિયાનું ધોવાણ પણ સતત ચાલુ રહેતા આજે રૂપિયો વધુ 23 પૈસા ઘસાઈને નવા તળીયે પહોંચ્યો હતો. રૂપિયો આજે સવારે ડોલર સામે 74.46ના નવા નિમ્ન સ્તરે પહોંચતા હવે 75 તરફ આગળ વધી રહ્યો છે.
ગઈકાલની શેરબજારની રિકવરી બાદ આજે સવારે ખુલતા જ શેરબજાર ધડામ કરતા પટકાયુ હતું અને 15 જાન્યુઆરીના સ્તરે પહોંચી ગયું હતું. સવારે ખુલ્લામાં જ સેન્સેકસ 1037 પોઈન્ટ તુટીને 33723 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો.
આજ રીતે નિફટી પણ 312 પોઈન્ટ તુટીને 10138ના સ્તરે ખુલતા બજારમાં અફડાતફડી મચી ગઈ હતી.
આ ઉપરાંત બેંક નિફટીમાં પણ 723 પોઈન્ટનું ગાબડુ પડતા 24529નુ સ્તર જોવાયુ હતું ત્યારે સ્મોલકેપ અને મિડકેપ ઈનડેકસનું સૌથી વધુ ધોવાણ થયું હતું. મિડકેપ ઈન્ડેકસ 418 પોઈન્ટ તુટી 13862 તેમજ સ્મોલકેપ ઈન્ડેકસ 368 પોઈન્ટ તુટી 13637ના વર્ષના તળીયે પહોંચ્યા છે. આજે શેરબજારના
સૌથી હેવી વેઈટ ગણાતો ટીસીએસ 3 ટકા અને રિલાયન્સ અઢી ટકા સુધી તુટ્યા હતા. જ્યારે ટાટા સ્ટીલમાં 4 ટકા અને જે.એસ.પી.એલ.માં 5.11 ટકાનું ગાબડુ પડ્યું હતું. આ સિવાય મોટાભાગના ઈન્ડેકસમાં જોરદાર વેચવાલી જોવા મળતા શેરબજારમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે.