ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાંનો કહેરOctober 11, 2018

ભુવનેશ્ર્વર તા,11
બંગાળની ખાડી બનેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાન ‘તિતલી’ એ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગઇકાલે ચક્રવાતના ખતરાને જોતા ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સલામતીના પગલાં ભરવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારો ગોપાલપુરમાં ભયાનક રુપ જોવા મળ્યું. મળતી મુજબ ગોપાલપુરમાં તોફાનના કારણે ઘણાં ઝાડ ધરાશાયી થયા છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે. આ તોફાનના કારણે ભૂસ્ખલનની ઘટનના બની છે. ઓડિશાના 18 જિલ્લાઓમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે સલામતીના પગલાં ભરીને બુધવારે દરિયા કિનારાના વિસ્તારમાંથી લગભગ 3 લાખ લોકોને બહાર કાઢ્યા હતા. આ તરફ આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારમાં પણ તોફાનની અસર
(અનુસંધાન પાના નં.8)
દેખાઈ રહી છે. હવામાન વિભાગે તોફાન 165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પહોંચવાની આશંકા વ્યકત કરી છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે તોફાનના કારણે 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકાર સલામતીનાં પગલાં ભરી રહી છે. બન્ને રાજ્યોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ઓડિશાના દરિયા કિનારાના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. પાંચ જિલ્લાના કલેક્ટરોએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાનો આદેશ આપ્યો છે.
ઓડિશામાં સ્કૂલ, કોલેજ અને આંગણવાડી કેન્દ્ર 11 અને 12 તારીખ દરમિયાન બંધ રાખવાનો આદશે આપ્યો છે. મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પીધીએ કહ્યું કે, રાજ્યમાં 11 ઓક્ટોબરે થનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓને રદ કરી દેવામાં આવી છે. તોફાનને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વરસાદના કારણે આખું રાજય ચપેટમાં આવે તેવી આશંકા છે.
ચક્રવાતી તોફાન ‘તિતલી’ ને ધ્યાનમાં રાખીને 11 અને 12 ઓક્ટોબરે ભુવનેશ્ર્વર, કટક, ઢેંકનાલ, સંભલપુર, ખુર્દા અને બેરહમપુરમાં થનારી રેલવેની ભરતી પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી છે. નવી તારીખો અને જગ્યાની જાણ વિદ્યાર્થીઓને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ દ્વારા કરવામાં આવશે.