6 મહિનામાં એસબીઆઇ સાથે રૂપિયા 5,555 કરોડની ઠગાઇOctober 11, 2018

નીમચ (મ.પ્ર.) તા.11
દેશમાં સૌથી મોટી બેન્ક એસબીઆઈમાં વર્તમાન નાણાકીય વર્ષના આરંભિક છ મહિનામાં 5555.48 કરોડ રૂપિયાના બેન્કિંગ છેતરપિંડીના 1329 કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના નીમચના વતની અને આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું હતું કે માહિતી અધિકારના કાયદા હેઠળ તેમને આ માહિતી મળી છે. તેમની આરટીઆઈ અરજી સંબંધે ભારતીય સ્ટેટ બેન્ક તરફથી તેમને પાઠવવામાં આવેલા જવાબને ટાંકતાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસમાં ( એપ્રિલ જૂન) કુલ 723.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના 669 કેસ સામે આવ્યા હતા.
બીજા ત્રિમાસમાં ( જુલાઈ - સપ્ટેમ્બર)માં કુલ 4832.42 કરોડ રૂપિયાની છેતરપિંડીના 660 પ્રકરણ સામે આવ્યા હતા. ગૌડે પોતાની આરટીઆઈ અરજીમાં નુકસાનીનો આંકડો પૂછયો તો બેન્કે જવાબમાં જણાવ્યું હતું કે નુકસાનની રકમના પરિણામ નક્કી ના થઈ શકે. આરટીઆઇ કાર્યકર્તાએ આ સમયગાળામાં કેટલા ગ્રાહક બેન્કિંગ છેતરપિંડીના શિકાર બન્યા હતા અને તેને કારણે કેટલી રકમ ગુમાવવી પડી તે મુદ્દે પણ સવાલ કર્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કે આ પ્રશ્ન સંદર્ભમાં જણાવ્યું હતું કે બેન્ક દ્વારા સામાન્યપણે આવી માહિતી એકત્ર નથી થતી.