આજે અલ્પેશના સદ્ભાવના ઉપવાસ

  • આજે અલ્પેશના સદ્ભાવના ઉપવાસ
  • આજે અલ્પેશના સદ્ભાવના ઉપવાસ

 યુપી-બિહારના મુખ્યમંત્રીઓને પણ જોડાવા આહ્વાન
 નીતીન પટેલ માફી ન માગે તો બહિષ્કારનાં પોસ્ટર્સ લગાવાયા
અમદાવાદ તા.11
રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. અલ્પેશ રાણીપ ખાતે પોતાના નિવાસ્થાને જ ઉપવાસ પર બેસશે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાઓ અંગે અલ્પેશ ઠાકોરને દોષિત ગણાવવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલા તેમજ ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અલ્પેશે ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારને પણ લખી ઉપવાસમાં જોડાવા આહ્વાન કર્યું છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના
(અનુસંધાન પાના નં.8)
વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે.
બીજી તરફ નીતિન પટેલનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો 2015નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં નીતિન પટેલ એવું કહી રહ્યા છે કે યુપી અને બિહારના મજૂરોનાં કારણે રાજ્યમાં ગરીબી વધી છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જયરાજસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલ અગાઉ પરપ્રાંતિયો વિરુદ્ધ ઝેર ઓકી ચૂક્યા છે. તેઓ પહેલાથી જ યુપી-બિહારને મજૂરોના વિરોધી રહ્યા છે.