ટ્રાફિક સેન્સવાળા પોલીસના ગરબાOctober 11, 2018

રાજકોટ તા.11
નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. જોકે, આ વખતે નવરાત્રીનું ખાસ આકર્ષણ પોલીસે બનાવેલા સ્પેશિયલ ગરબા રહેવાના છે. પોલીસે આ વખતે ટ્રાફિકના નિયમોની લોકોને સમજ આપવા માટે સ્થાનિક એનજીઓની મદદથી ખાસ ગરબા તૈયાર કરાવ્યા છે.
આ ગરબામાં લોકોને ટ્રાફિકના નિયમોની સમજ તેમજ તેને તોડવાથી જીવનું જોખમ રહેલું છે તેની સમજ આપવામાં આવશે. કોઇ કહેજો છગનભાઇને જઇ કે વાહનમાં મોબાઈલ વાપરે નહીં અને વાહન ધીમા ના હાંકે એના જીવન ટુંકા થાય. જેવા ગરબા હેલ્મેટ વગર ડ્રાઈવ કરતા તેમજ ભયજનક ઝપડે વાહન ચલાવતા લોકોને સમજાવવા ખાસ બનાવાયા છે.
રાજકોટ પોલીસે નવરાત્રી માટે ખાસ ચાર ગરબા તૈયાર કરાવ્યા છે. જેમાં હેલ્મેટ પહેરવા. ચાલુ ડ્રાઈવીંગે મોબાઈલ ન વાપરવા તેમજ ટ્રાફિક સિગ્નલ ન તોડવા અને નશામાં વાહન ન ચલાવવા જેવા મેસેજ આપવામાં આવ્યા છે. ગરબાના ઓડીયો રેકોર્ડીંગ ઉપરાંત, પોલીસ ટ્રાફિકના નિયમ તોડતા લોકોના વીડીયો પણ બનાવશે અને તેને ગરબાના આયોજન સ્થળ પર એલઈડી સ્ક્રીન પર બતાવાશે.
આ ગરબા તૈયાર કરનારી એનજીઓ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના પ્રમુખ જીતુ ગોટેચાના જણાવ્યા અનુસાર અમે ગણેશ ચતુર્થી પર ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ ચલાવી રહ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસને નવરાત્રી પર આવી જ રીતે ગરબાના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવાનો વિચાર આવ્યો હતો અને તેના પરથી અમે ગરબા બનાવવાનું શરૂ કર્યુ હતું.
રાજકોટના જેસીપી એસએમ ખત્રીના જણાવ્યા અનુસાર પોલીસ તમામ ગરબા આયોજકોને આ ગરબાની સીડી આપશે અને તેમને વગાડવા જણાવશે. આ ગરબા સાંભળી ખેલૈયાઓ પણ સરપ્રાઈઝ થઇ જશે અને તેને ખાસ ધ્યાનથી સાંભળશે. આ ગરબાને યુટ્યુબ તેમજ ફેસબુક પર પણ અપલોડ કરાશે.